Updated: Mar 15th, 2023
– ભાજપના વિધાયકો રાજ્ય સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા ત્યારે રાજદના વિધાયકો લાડુ વહેંચી રહ્યા હતા
પટણા : કદાચ દુનિયાના કોઈ પણ દેશમાં ન બની હોય તેવી ઘટના આજે બિહાર વિધાનસભામાં જોવા મળી હતી. તેમાં રાજદ અને ભાજપના સભ્યો વચ્ચે સામસામી “લાડુ વાળી’ થઈ હતી.
વાત એમ બની હતી કે, આજે રાજદના નેતા લાલુપ્રસાદ યાદવ તેમના ધર્મપત્ની રાબડી દેવી અને પુત્ર મિસા ભારતીને કહેવાતા નોકરી માટે જમીન કૌભાંડમાં જામીન મળતા રાજદના વિધાયકો એટલા આનંદમાં આવી ગયા હતા કે તેમણે થાળના થાળ ભરાય તેટલા લાડુ મંગાવી લીધા હતા અને વિધાયકોને વહેંચવાનું શરૂ કરી દીધું હતું.
તે દરમ્યાન ભાજપના અને રાજદના વિધાયકો વચ્ચે ગૃહમાં ગજબની જીભાજોડી થઈ ગઈ હતી જે ઉગ્ર બનતા બંને પક્ષના વિધાયકોએ સામસામી લાડુવાળી શરૂ કરતા જીભાજોડી સમયે પ્રકટેલો રૌદ્ર રસ અચાનક જ હાસ્યરસમાં પરિણમશે તેમ લાગતું હતું પરંતુ તે લાડુની સામસામી ફેંકાફેંકી સાથે સૂત્રોચ્ચારોએ પરિસ્થિતિમાં કટુતા લાવી દીધી હતા.
આ સમયે ગૃહમાં વિપક્ષ ભાજપના નેતા વિજયકુમાર રાજદ ઉપર ગુંડાગીરી ફેલાવવા આક્ષેપ કર્યો હતો. વાસ્તવમાં લાડુ વહેંચવાના બહાને તેઓ ધક્કામુક્કી કરી રહ્યા છે અને બધી ચીજો આડીઅવળી ફેકી રહ્યા છે. આ ધક્કામુક્કી અંગે વિપક્ષ ભાજપના નેતા વિજયકુમારે કહ્યું હતું કે તેઓ (રાજદના વિધાયકો) અમોને વિક્ષુબ્ધ કરવા માગતા હતા.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરકિશોર પ્રસાદે કહ્યું હતું કે, ઘણા વરિષ્ઠ નેતાઓ પણ આવી ગેરવર્તણુંકમાં સંકળાયેલા હતા છતાં તેમની ઉપર કોઈ ખાસ પગલા લેવાયા નથી.