– ટેરીફ વેલ્યુ વધતાં દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ થતાં તેજીને પીઠબળ મળ્યાના નિર્દેશો
– અમેરિકા અને યુરોપમાં ઉદભવેલ નાણાંકીય કટોકટીની અસર
Updated: Mar 16th, 2023
અમદાવાદ/મુંબઈ : અમેરિકા અને યુરોપમાં ઉદભવેલ નાણાંકીય કટોકટીના પગલે વૈશ્વિક સ્તરે ફંડો સોનામાં મોટાપાયે એક્ટિવ થતા વિશ્વ બજારમાં કિંમતી ઘાતુઓના ભાવમાં ઉછાળો નોંધાવાની સાથોસાથ અત્રે અમદાવાદ સોના ચાંદી બજારમાં પણ આજે સોનામાં તોફાની તેજીનો માહોલ રચાતા સોનાના ભાવ ફરીએકવાર રૂપિયા ૬૦૦૦૦ હજારની સપાટી કુદાવીને રૂપિયા ૬૦૧૦૦ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાદીના ભાવમાં એકધારી તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓની આયાત પડતર વધી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૨૧થી ૧૯૨૨ વાળા વધી ૧૯૩૧થી ૧૯૩૨ થઈ ૧૯૩૦થી ૧૯૩૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં બેન્કીંગ ક્રાઈસીસના પગલે સોનામાં ફંડો સેફ હેવન બાઈંગ કરી રહ્યાની ચર્ચા હતી. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ ઉછલી ૯૯.૫૦ના રૂ.૫૯૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૦૧૦૦ બોલાયા હતા અગાઉ ગયા મહિને સોનાએ આ વિક્રમી સપાટી કૂદાવી હતી. અમદાવાદ ચાંદીના ભાવ જો કે વધતા અટકી કિલોના રૂ.૬૭૫૦૦ના મથાળે શાંત હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૨.૨૫થી ૨૨.૨૬ વાળા નીચામાં ૨૧.૬૬થઈ ૨૧.૯૪થી ૨૧.૯૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૫થી ૦.૬૦ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે વધ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવમાં પીછેહટ જોવા મળી હતી.
દરમિયાન, ભારતમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃદ્ધી કર્યાના સમાચાર હતા તથા આના પગલે સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી ગઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સોનાની આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૫૮૬થી વધારી સરકારે ૬૧૪ ડોલર કરી છે જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૬૭૪ વાલા ૭૦૩ ડોલર થઈ છે.
વિશ્વ બજાર ઉંચકાતાં ટેરીફ વેલ્યુ વધારવામાં આવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૬૦થી ૯૬૧ વાળા વધી ૯૭૭ થઈ ૯૭૩થી ૯૭૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૪૬થી ૧૪૪૭ વાળા નીચામાં ૧૪૩૬થી ૧૪૩૮થી ૧૪૩૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૬૭૧ વાળા રૂ.૫૮૧૦૭ તથા ૯૯.૯૦ના રૂ.૫૭૯૦૨ વાળા રૂ.૫૮૩૪૧ જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૬૮૬૧ વાલા રૂ.૬૭૩૧૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધુ નીચા ઉતર્યા હતા ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૭૦.૩૦ વાળા ૬૭.૧૨ થઈ ૬૭.૬૧ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૭૬.૩૨ વાળા ૭૩.૨૬ થઈ ૭૩.૬૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક બેન્કિંગ કટોકટીની અસર ક્રૂડ બજાર પર જોવા મળી હતી.