વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ, પોલીસ વચ્ચે વિવાદ થયો હોવાના અહેવાલ
ખુરશી-ટેબલ હટાવી દેવાના આદેશ બાદ ગ્રાહકોની મુશ્કેલીમાં થયો વધારો
Updated: Mar 16th, 2023
અમદાવાદ, તા.16 માર્ચ-2023, ગુરુવાર
અમદાવાદમાં ખાણી-પીણીના શોખીને માણેકચોક અચૂક યાદ આવે… એટલું જ નહીં માણેકચોક ગુજરાત સહિત દેશભરમાં પણ જાણીતું છે. જોકે આ ખાણીપીણી માર્કેટને લઈને ખરાબ સમાચારો સામે આવ્યા છે. અહીં વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને પોલીસ વચ્ચે તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અહીં આવતા ગ્રાહકોને રસ્તા પર બેસી જમવાની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને લઈ દરેક પક્ષોની જુદી જુદી વાતો સામે આવી રહી છે, જોકે ત્રણેય પક્ષોના વિવાદ વચ્ચે પૈસા ખર્ચીને જમવા આવનારા ગ્રાહકોની મુશ્કેલી વધી ગઈ છે.
દરમિયાન પોલીસ અને વેપારીઓ વચ્ચેના નાણાંના વહિવટીને લઈ આ વિવાદ સર્જાયો હોવાની વાત સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક વિસ્તારના કેટલાક વેપારીઓએ દલીલ સાથે ગંભીર આક્ષેપ કર્યો છે અને સ્થાનિક પોલીસ મથકના વહિવટદાર દ્વારા ખોટી રીતે રૂપિયાની માંગ કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે વેપારીઓએ પણ ખોટી રીતે રૂપિયા આપવાની ના પાડી દેતા તેમને ખુરશી-ટેબલ હટાવી દેવાની ધમકી અપાઈ છે. ત્યારે માણેકચોકમાંથી મંગળવારથી ખુરશી-ટેબલ હટાવવાનો આદેશ કરાયો હોવાનું સામે આવ્યું છે. તો હવે ગ્રાહકોએ પણ ઓર્ડર આપેલી વાનગીઓ રસ્તા પર બેસીને ખાવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસ સમક્ષ કેટલાક વેપારીઓ રજૂઆત કરવા ગયા હતા, ત્યારે સ્થાનિક પોલીસે કહ્યું કે, અહીં સ્થાનિક રહેવાસીઓ દબાણથી હેરાન થયા છે અને ફરિયાદો મળ્યા બાદ પોલીસ કાર્યવાહી કરાઈ છે. તો સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, અહીં મુકાતી લારીઓ સામે તેમને કોઈપણ પ્રકારની સમસ્યા નથી, જોકે રોડની બંને તરફ લારીવાળાઓ દબાણ કરી રહ્યા છે, જેના કારણે ચાલવાની પણ જગ્યા રહેતી નથી. આ સમસ્યાનો ઝડપથી નિકાલ કરવો જરૂરી બની ગયો છે. ઉલ્લેખનિય છે કે, માણેકચોકમાં સાંજ પડતા જ ખાણી-પીણીની લારીઓ આવી જતી હોય છે અને ગ્રાહકોને પણ અહીં મોડી રાત સુધી વિવિધ વાનગીઓ મળી રહે છે. તો બીજી તરફ અહીં આવતા ઘણા ગ્રાહકો વાહનો પણ પાર્કિંગ કરતા હોય છે, જેના કારણે અહીં વાહનો અને લારીઓના કારણે વધુ ભીડ જોવા મળતી હોય છે.