Updated: Mar 16th, 2023
– અગાઉ કેનેડા, ભારત, યુરોપિયન સંઘે પ્રતિબંધ મૂક્યો હતો
– ચીનની માલિકીની એપથી સંવેદનશીલ સરકારી ડેટાના દુરૂપયોગનો ખતરો : બ્રિટિશ સરકારે સંસદમાં જાણકારી આપી
લંડન : બ્રિટિશ સરકારે સંસદમાં જાણકારી આપી હતી એ પ્રમાણે હવે દેશભરના સરકારી ડિવાઈસમાં ટિકટોક પ્રતિબંધિત થઈ જશે. ચીનની માલિકીની એપથી ડેટા ચોરીનું જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સરકારી ડિવાઈસમાંથી આ એપ હટાવી દેવામાં આવશે. ટિકટોકના રિવ્યૂમાં તેની ગતિવિધિ ભેદી હોવાનું બ્રિટિશ સરકારે કહ્યું હતું.
બ્રિટિશ સરકાર વતી સંસદમાં જાહેરાત કરવામાં આવી હતી કે હવે તમામ સરકારી ડિવાઈસમાંથી ટિકટોક હટાવી દેવામાં આવશે અને હવેથી ટિકટોક સરકારી ઉપકરણોમાં પ્રતિબંધિત થઈ જશે. બ્રિટન સરકારે કહ્યું હતું કે એપનું વિશ્લેષણ કરાયું હતું અને એમાં ડેટા ચોરીનો ખતરો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનની માલિકીની એપ સરકારી ડેટા અને સંવેદનશીલ માહિતી તફડાવીને જાસૂસી કરી શકે તેમ છે. પરિણામે સરકારે જાસૂસીથી બચવા આ પગલું ભર્યું છે. બ્રિટિશ સરકારે ઉમેર્યું હતું કે સાઈબર એક્સપર્ટ્સની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિટિશ સરકાર પ્રમાણે પહેલેથી જ આ એપ ઓછા ડિવાઈસમાં ચલાવાતી હતી. સોશિયલ મીડિયાના હેતુથી કેટલાક ડિવાઈસને આ એપની પરવાનગી આપવામાં આવતી હતી, હવે એ પણ સાવ બંધ કરી દેવામાં આવશે. કારણ કે આ એપ ડેટા સ્ટોરેજનો એક્સેસ માગે છે અને એના આધારે બધી જ માહિતી એપ કંપની પાસે પહોંચે છે.
અગાઉ અમેરિકા-કેનેડા-યુરોપિયન સંઘ વગેરેએ સરકારી ડિવાઈસમાં ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં તો ઘણાં સમયથી ટિકટોક પર સદંતર પ્રતિબંધ છે. કંપનીએ ડેટા શેરિંગ બાબતે વારંવાર સ્પષ્ટતા કરી હોવા છતાં ચીનની માલિકીની આ એપ ભરોસેમંદ રહી નથી. કંપનીએ અગાઉના પ્રતિબંધો વખતે કહ્યું હતું કે કંપની સરકારના નિયંત્રણમાં નથી અને ચીનની સરકારને કોઈ જ ડેટા આપતી નથી.