Updated: Mar 16th, 2023
– એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયા જેલમાં બંધ છે
નવી દિલ્હી, તા. 16 માર્ચ 2023, ગુરૂવાર
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે CBIએ જાસૂસી કેસમાં સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. CBIએ ફીડબેક યુનિટ કેસમાં સિસોદિયા સામે ગુનો નોંધ્યો છે. આરોપ છે કે, આમ આદમી પાર્ટીએ વર્ષ 2015ની આસપાસ ફીડબેક યુનિટ તૈયાર કર્યું હતું. આ ફીડબેક યુનિટમાંથી ઘણા લોકોની જાસૂસી કરવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે, આ યુનિટમાં ભરતી માટે LG પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. CBIએ સિસોદિયા પર આ બીજી FIR નોંધી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે CBIએ આ FIRમાં મનીષ સિસોદિયાને આરોપી નંબર-1 ગણાવ્યો છે. CBIએ 14 માર્ચે કેસ નોંધ્યો હતો. સિસોદિયા પર ગુનાહિત ષડયંત્ર, અપ્રમાણિક રીતે સંપત્તિની ગેરરીતિ, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપો છે. તપાસ એજન્સીએ આ મામલે અન્ય 5 લોકોનો ઉલ્લેખ પણ પોતાની FIRમાં કરવામાં આવ્યો છે.
FIRમાં આ લોકોના નામ સામેલ
જેમાં આઈઆરએસ અધિકારી સુકેશ કુમાર જૈન સામેલ છે. સુકેશ જૈન તે સમયે દિલ્હી સરકારમાં વિજિલન્સ સચિવ હતા. આ સિવાય સીઆઈએસએફના નિવૃત્ત ડીઆઈએસ રાકેશ કુમાર સિન્હાનું પણ આ એફઆઈઆરમાં નામ છે. રાકેશ કુમાર સિન્હાને ફીડબેક યુનિટ પર દિલ્હીના મુખ્યમંત્રીના વિશેષ સલાહકાર અને ફીડબેક યુનિટના જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
FIRમાં પ્રદીપ કુમાર પુંજનું નામ છે. પ્રદીપ કુમાર એફબીયુના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરતા હોવાનું કહેવાય છે. આમાં CISFના પૂર્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતીશ ક્ષેત્રપાલનું નામ પણ છે, તેમણે આ યુનિટમાં ફીડબેક ઓફિસર તરીકે કામ કર્યું હતું. આ સિવાય આ FIRમાં ગોપાલ મોહનનું નામ પણ છે. એલજી વીકે સક્સેનાએ આ મામલે CBI તપાસની ભલામણ કરી હતી, જે બાદ ગૃહ મંત્રાલયે સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો.
જ્યારે આ મામલે સીબીઆઈ તપાસને મંજૂરી આપવામાં આવી હતી, તે જ સમયે AAP નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સિસોદિયાને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.
સિસોદિયા પર CBIની બીજી FIR
આ પહેલા CBIએ દિલ્હીના કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ પૂછપરછ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી સિસોદિયા જેલમાં બંધ છે.