Updated: Mar 16th, 2023
ગાંધીનગરમાં વધુ બે દર્દીઓ પ્રકાશમાં આવ્યા
દાહોદની કોલેજમાં અભ્યાસ કરતી સેક્ટર-૧૯ની મેડિકલ સ્ટુડન્ટ
ઉપરાંત ૧૦ વર્ષિય બાળક પણ સંક્રમિતઃટેસ્ટીંગ વધારી દેવાયું
ગાંધીનગર : વાતાવરણમાં થતા બદલાવની સીધી અસર વાયરસ ઉપર પડી છે અને
નિષ્ક્રિય થઇ ગયેલા વાયરલ પુનઃ સક્રિય થઇ ગયા છે. આવી સ્થિતિ વચ્ચે કોરોનાના
કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે. ગાંધીનગરમાં પણ હવે રોજના એકાદ બે કેસ પ્રકાશમાં
આવી રહ્યા છે.ત્યારે આજે બે કેસ સામે આવ્યા છે. જેમાં ૧૦ વર્ષના બાળકનો રિપોર્ટ
પોઝિટિવ આવતા તેને બાળસંરક્ષક ગૃહમાં ક્વોરેન્ટાઇન કરાયો છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે
વધારો થઇ રહ્યો છે. બેવડીઋતુને પગલે કોરોના ઉપરાંત પણ અન્ય વાયરસ પણ સક્રિય થયા છે
જેની સીધી અસર નગરજનો ઉપર પડી રહી છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૩,સરગાસણમાંથી કેસ
મળી આવ્યા છે તો અડાલજમાંથી પણ બેથી વધુ કેસ સામે આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે
વધુ બે કેસ પ્રકાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર શહેરના
સેક્ટર-૧૯માં થોડા દિવસ પહેલા જ આવેલી દાહોદની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી ૨૧
વર્ષિય વિદ્યાર્થિની તબીયત બગડતા તેણીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા
તેણીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે.
તો બીજીબાજુ માણસા ખાતે છોલે ભટુડેની લારી ઉપર કામ કરતા
બાળકને સમાજિક સંસ્થાએ છોડાવ્યો હતો જેને બાળ સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવ્યો હતો
જ્યં તેને તાવ સહિતની તકલીફ થવાને પગલે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પણ પોઝિટિવ
આવ્યો હતો. જેથી આ બાળકને ગૃહ ખાતે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.