Updated: Mar 16th, 2023
દાહોદ, 16 માર્ચ 2023 ગુરૂવાર
ગુજરાતમાં લાંચિયા સરકારી કર્મચારીઓ ACBના હાથે ઝડપાઈ રહ્યાં છે. દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી કાજલ દવે ખુદ લાંચ લેતા ACBના સકંજામાં આવ્યાં છે. આ અધિકારીએ એક શિક્ષક પાસે NOCમાં સહી કરવા માટે 10 હજાર રૂપિયાની માંગ કરી હતી. પરંતુ શિક્ષકે આ બાબતે ACBને જાણ કરતાં છટકુ ગોઠવવામાં આવ્યું અને અધિકારીને રંગેહાથે 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. આ ઘટના બાદ સમગ્ર શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
ગોધરા અને દાહોદની ACBની ટીમે અચાનક રેડ પાડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદમાં શિક્ષણાધિકારીની કચેરીમાં ગોધરા અને દાહોદની ACBની ટીમે અચાનક રેડ પાડી હતી. આ રેડમાં ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી જ લાંચ લેતા ઝડપાઈ ગયાં હતાં. શરૂઆતમાં તેમણે ACBની ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું પરંતુ બાદમાં તેમની શાન ઠેકાણે આવી ગઈ હતી. ACBની ટીમ તેમને વધુ પુછપરછ માટે લઈ ગઈ હતી.