કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બ્રિટનમાં કરેલા રાષ્ટ્ર વિરોધી નિવેદન બાદ સંસદમાં કોંગ્રેસ-ભાજપ આપને સામને
મારા પહોંચવાની 1 મિનિટમાં જ ગૃહને સ્થગિત કરાયું, આશા છે કે કાલે મને સંસદમાં બોલવાની તક અપાશે : રાહુલ
Updated: Mar 16th, 2023
નવી દિલ્હી, તા.16 માર્ચ-2023, ગુરુવાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બ્રિટનમાં આપેલા નિવેદનને લઈને સંસદમાં હંગામો થઈ રહ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી બ્રિટન પ્રવાસથી ભારત આવી ગયા છે. તેઓ ગુરુવારે સંસદ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, સરકાર અદાણી મુદ્દે ડરી રહી છે.
બ્રિટનમાં રાહુલના નિવેદનને લઈ કોંગ્રેસ-ભાજપ આમને સામને
તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટનની મુલાકાતે ગયા હતા, ત્યાં તેમણે કેમ્બ્રિઝ સહિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો. રાહુલ ગાંધીએ બ્રિટનમાં કેટલાક નિવેદનો કર્યા હતા, જેને લઈને ભારતમાં રાજકીય ધમાસાણ મચ્યું છે. છેલ્લા બે દિવસથી સંસદમાં રાહુલના નિવેદન મામલે કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ સામસામે આવી ગયા છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપ રાહુલ ગાંધીને માફી માગવાનું કહી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું કે, રાહુલના નિવેદન પર માફીનો કોઈ સવાલ જ નથી…
રાહુલ ગાંધી લોકસભા સ્પીકરને મળ્યા
રાહુલ ગાંધી ગુરુવારે સંસદ પહોંચ્યા હતા. અહીં તેમણે લોકસભાની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો. જો કે ભાજપ અને વિપક્ષ વચ્ચેના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત થઈ હતી, જેના કારણે રાહુલને બોલવાની તક પણ મળી નથી. ઉલ્લેખનીય છે કે, ભાજપે રાહુલ ગાંધી પર લંડનમાં રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ રાહુલે કહ્યું કે, જો અધ્યક્ષ તેમને તક આપે છે તો તેઓ ચોક્કસ આ મુદ્દે વાત કરશે. બાદમાં આ માંગ સાથે રાહુલ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મળ્યા હતા.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપોનો જવાબ આપ્યો
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મને આશા છે કે આવતીકાલે મને સંસદમાં બોલવાની તક અપાશે. આજે મારા પહોંચવાની એક મિનિટમાં જ ગૃહને સ્થગિત કરી દેવાયું હતું. થોડા દિવસો પહેલા ગૃહમાં મેં જે ભાષણ આપ્યું, અદાણી અંગે જે પ્રશ્નો કરાયા તેને હટાવી દેવાયા… આખું ભાષણ જ હટાવી દીધું… સરકાર હંગામો મચાવી મામલા પરથી ધ્યાન હટાવવા માંગે છે. સરકારના 4 મંત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. મારા પ્રશ્નોના જવાબ ન આપવા માટે આ બધું થઈ રહ્યું છે. હું સાંસદ છું, તેથી મારી પ્રથમ જવાબદારી સંસદમાં જવાબ આપવાની છે. એટલા માટે પહેલા હું સંસદમાં જવાબ આપીશ, ત્યારબાદ જ તમારી સામે આવીશ અને સંપૂર્ણ વાત કરીશ.