એક રિપોર્ટ અનુસાર 2022માં પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં 643 લોકોના મોત થયા હતા
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા હતા
Updated: Mar 16th, 2023
image : pixabay |
પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં વર્ષ 2022માં રેકોર્ડ વધારો નોંધાયો છે. એક રિપોર્ટ અનુસાર 2022માં પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં 643 લોકોના મોત થયા હતા. જે તેના અગાઉના વર્ષના 292 લોકોના મોતની સરખામણીમાં લગભગ 120 ટકા વધુ છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસના વાર્ષિક ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ રિપોર્ટમાં આ આંકડા આપવામાં આવ્યા છે. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.
પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં આતંકવાદી ઘટનાઓમાં મૃત્યુઆંક મામલે પાકિસ્તાન બીજા ક્રમે રહ્યું છે. આ યાદીમાં પહેલા ક્રમે આફ્રિકન દેશ બુર્કિના ફાસો છે જ્યાં 2022માં આતંકવાદી ઘટનાઓમાં 1135 લોકોના મોત થયા હતા. જ્યારે 2021મા બુર્કિના ફાસોમાં 759 લોકો મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં મૃત્યુ પામેલા 55 ટકા લોકો સેના અથવા પોલીસ કર્મચારીઓ છે. ટીટીપી અને બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનમાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે, જેમણે પાડોશી દેશમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓ કર્યા છે.
2007થી 2022 સુધીમાં પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 14,920 લોકોના મોત થયા
રિપોર્ટ અનુસાર 2007થી 2022 સુધીમાં પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 14,920 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોમાં વધુ આતંકવાદી ઘટનાઓ બની છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં કુલ આતંકવાદી ઘટનાઓમાંથી 63 ટકા ઘટનાઓ અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં બની છે. જ્યારે કુલ મૃત્યુના 74 ટકા અહીં થયા છે. 2022માં પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીના હુમલામાં 77 ટકાનો વધારો થયો. પાકિસ્તાનમાં પણ ઈસ્લામિક સ્ટેટ ખુરાસાનનો પ્રભાવ વધી રહ્યો છે અને આ આતંકી સંગઠને 2022માં પાકિસ્તાનમાં 23 આતંકી હુમલા કર્યા હતા, જેમાં 78 લોકોના મોત થયા હતા.
અફઘાનિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત છે
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સના રિપોર્ટમાં અફઘાનિસ્તાનને સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ ગણાવ્યો છે. જો કે, એક સારી વાત એ છે કે વર્ષ 2022માં અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં મૃત્યુમાં 58 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે આતંકવાદી ઘટનાઓમાં પણ 75 ટકાનો ઘટાડો થયો છે. અફઘાનિસ્તાનમાં વર્ષ 2022માં આતંકવાદી ઘટનાઓમાં 633 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં આ આંકડો 1499 હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીને કારણે આતંકવાદી ઘટનાઓમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ મહિલાઓ, ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ અને માનવ અધિકારીઓ પર હુમલા વધી ગયા છે. રિપોર્ટ અનુસાર 2022માં ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન સૌથી સક્રિય આતંકી સંગઠન તરીકે ઉભરી આવ્યું છે. અફઘાનિસ્તાનમાં આ આતંકવાદી સંગઠને 2022માં 422 લોકોની હત્યા કરી હતી.