Updated: Mar 15th, 2023
– પત્ની પરેશાન કરે તો પતિ ક્યાં ફરિયાદ કરે?
– 2021માં 81063 પરણીત પુરૂષોએ આત્મહત્યા કરી, 33.2 ટકા કેસોમાં કારણ ઘરેલુ સમસ્યા
– રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ પીડિત પુરૂષોની ફરિયાદો લઇને નિરાકરણ લાવવા માગ
નવી દિલ્હી : દેશમાં મહિલા કમિશન છે પણ પુરુષોનું કોઇ રાષ્ટ્રીય સ્તરે કમિશન નથી, હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને એક રાષ્ટ્રીય પુરુષ કમિશનની રચના કરવા સરકારને આદેશ આપવા માગણી કરવામાં આવી છે. લગ્ન કરેલા પુરુષો પણ ઘરેલુ હિંસાનો ભોગ બનતા હોવાના દાવા સાથે આ માગણી કરવામાં આવી છે.
વકીલ મહેશ કુમાર તિવારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ અપીલમાં દાવો કરવામાં આવ્યો છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ ૨૦૨૧માં ૧,૬૪,૦૩૩ લોકોએ દેશમાં આત્મહત્યા કરી છે. જેમાં ૮૧,૦૬૩ પરણીત પુરુષો અને ૨૮૬૮૦ પરણીત મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં ૩૩.૨ ટકા પુરુષોએ પરીવારની સમસ્યાઓને કારણે આત્મહત્યા કરી છે. જ્યારે ૪.૮ ટકા પુરુષોએ લગ્ન સંબંધીત સમસ્યાઓને કારણે આત્મહત્યા કરી છે.
પિટિશનમાં માગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ માનવ અધિકાર કમિશનને આદેશ આપે કે તે લગ્ન કરેલા પુરુષોના અધિકારો ઉપર પણ ધ્યાન આપે અને ઘરેલુ હિંસાનો ભોગ બનનારા પુરુષોની ફરિયાદો પણ સ્વીકારે.
સાથે જ કેન્દ્ર સરકાર આવા પુરુષોની ફરિયાદો સ્વીકારવા અને સમસ્યાઓના નિકારણ માટે યોગ્ય ગાઇડલાઇન જાહેર કરે તેવી પણ માગણી કરવામાં આવી છે.
સાથે જ કેન્દ્રીય કાયદા કમિશનને આદેશ આપવામાં આવે કે તે પરણીત પુરુષોની આત્મહત્યા પર સંશોધન કરે અને રાષ્ટ્રીય પુરુષ આયોગ જેવી ફોરમની રચના કરે તેવો સુપ્રીમ કોર્ટ આદેશ આપે.