Updated: Mar 16th, 2023
અમદાવાદ, તા. 16 માર્ચ 2023, ગુરૂવાર
દુનિયામાં આજે પણ એવા અનેક રહસ્યો છે જે જાણી શકાયા નથી. તે રહસ્યોને શોધવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ રહ્યા છે. આજે અમે તમને એક એવા જ રહસ્યમય કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કુંડ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ભગવાને બનાવેલી આ દુનિયામાં હજારો રહસ્યો છુપાયેલા છે. આવું જ એક રહસ્ય આ કુંડમાં પણ છે. આ કુંડ વિશે કહેવાય છે કે તેની સામે તાળીઓ પાડવાથી પાણી આપોઆપ ઉપર આવવા લાગે છે. એટલું જ નહીં, કુંડ સાથે જોડાયેલી એવી બીજી પણ ઘણી બાબતો છે જેને જાણ્યા પછી તમને આશ્ચર્ય થશે.
વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય ઉકેલી શક્યા નથી
ઝારખંડના બોકારો શહેરથી 27 કિમી દૂર એક કુંડ છે. આ કુંડનું નામ “દલાહી કુંડ’ છે. વૈજ્ઞાનિકોએ પણ ઘણી વાર તાળીઓના ગડગડાટ પર કુંડના પાણીના ઉપરની તરફ આવવાના રહસ્યને ઉકેલવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી નહીં. આ ચમત્કારના કારણે લોકો આ કુંડને જોવા માટે દૂર-દૂરથી આવે છે. દલાહી કુંડ ભારતના પ્રખ્યાત કુંડોમાંનું એક છે. દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે અહીં મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ કુંડ દલહી ગોસાઈ દેવતાનું પૂજા સ્થળ છે.
ઋતુ પ્રમાણે પાણીનું તાપમાન બદલાય છે
દલાહી કુંડની એક ખાસ વાત એ છે કે તેનું પાણી ઋતુથી વિરૂદ્ધ બદલાતું રહે છે. એટલે કે કુંડનું પાણી ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે. એવું માનવામાં આવે છે કે કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આ વિશે કહે છે કે જો તેના પાણીથી ચામડીના રોગ દૂર થાય છે તો તેનો અર્થ એ છે કે તેમાં સલ્ફર અને હિલિયમ ગેસ છે.
ક્યાંથી આવે છે આ પાણી
અત્યાર સુધી આ કુંડ પર અનેક સંશોધનો થયા પરંતુ હજુ સુધી કુંડનું પાણી આખરે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી પડી. કેટલાક સંશોધકોના મતે તેનું પાણી જમુઈ નામના નાળા દ્વારા ગર્ગા નદીમાં જાય છે. આ કુંડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. લોકો માને છે કે તેમાં સ્નાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી જ લોકો દૂર-દૂરથી અહીં સ્નાન કરવા આવે છે. તેનું પાણી સ્વચ્છ અને ઔષધીય ગુણોથી ભરપૂર છે.
તાળી પાડવા પર પાણી કેમ ઉપર આવે છે
કુંડમાં પાણી ખૂબ જ નીચે હોય છે. ખૂબ નીચે હોવાને કારણે જ્યારે તાળીઓ પાડવામાં આવે છે ત્યારે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગોના કારણે થતા કંપનથી પાણી ઉપરની તરફ વધે છે. દલહી કુંડની ફરતે હવે કોંક્રીટની દિવાલો બનાવવામાં આવી છે.