– ચાલુ નાણા વર્ષમાં ફેબ્રુઆરી સુધી આરોગ્ય વીમા પ્રિમીયમમાં ૨૪ અને વાહન વીમા પ્રિમીયમમાં ૧૬ ટકાનો વધારો
Updated: Mar 16th, 2023
નવી દિલ્હી : કોરોના મહામારી દરમિયાન બિન-જીવન વીમા ઉદ્યોગમાં સ્વાસ્થ્ય વીમાનો નોંધપાત્ર હિસ્સો હતો. અન્ય ક્ષેત્રોએ પણ નાણાકીય વર્ષ ૨૩ના અંતે તેની વૃદ્ધિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી નોન-લાઈફ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીનું પ્રીમિયમ લગભગ ૧૭ ટકા વધીને રૂ. ૨.૩૨ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. બિન-જીવન વીમા ઉદ્યોગમાં સામાન્ય વીમો, આરોગ્ય વીમો અને વિશિષ્ટ પીએસયુ વીમાનો સમાવેશ થાય છે.
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ સમયગાળા દરમિયાન આરોગ્ય વીમા પ્રિમીયમમાં ૨૪ ટકાનો વધારો થયો છે. તે જ સમયે, વાહન વીમા પ્રીમિયમમાં ૧૬ ટકાનો વધારો થયો છે. બિન-જીવન વીમા વ્યવસાયમાં આ બંનેનો હિસ્સો ૬૦ ટકાથી વધુ છે.
જ્યારે રોગચાળો શરૂ થયો, ત્યારે ઓટો વીમા ક્ષેત્રમાં મંદી હતી અને આ ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર વૃદ્ધિ થઈ ન હતી. આના ઘણા કારણો હતા, જેમાં અધિકારીઓ દ્વારા મુસાફરી પર પ્રતિબંધ, વાહનોનું ઓછું વેચાણ, ચિપ્સનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ ઉપરોક્ત કારણો શમી જતાં ધીમે ધીમે આ ક્ષેત્રનો વિકાસ પુન:સ્થાપિત થયો છે.
જો કે, તે હજુ પણ આરોગ્ય પછી બીજા નંબરનું સૌથી મોટું સામાન્ય વીમા ક્ષેત્ર છે. રોગચાળા પહેલા, ઓટો ઈન્સ્યોરન્સ સેગમેન્ટ નંબર વન પોઝિશન ધરાવતું હતું. નાણાકીય વર્ષ ૨૨માં, વાહન વીમા પ્રીમિયમમાં લગભગ ૪ ટકાનો વધારો થયો હતો. અગાઉના વર્ષમાં વાહન પ્રીમિયમમાં ૧.૭ ટકાનો ઘટાડો થયો હતો.
ઓટો વીમાની કામગીરીમાં સુધારો થયો છે કારણ કે રોગચાળાનો ભય સમાપ્ત થઈ ગયો છે. વૃદ્ધિના આંકડામાં થોડી પાયાની અસર છે, પરંતુ એકંદરે વાહનોના વેચાણમાં વધારો થયો છે. ચિપની સમસ્યા પણ ઓછી થઈ છે.
જેના કારણે વાહન વીમામાં તેજી આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં મંદી છે. જો કે, આરોગ્ય વીમા પ્રિમીયમ વધવાનું ચાલુ રહેશે. આ વર્ષે અત્યાર સુધીમાં ટકા વઘ્યું છે.