રખેને કોઇ બળવો થાય તો પાકિસ્તાનના પરમાણુ બોંબની સુરક્ષાનું શું ?
દેવું છતાં પાકિસ્તાન પોતાનો પરમાણુ કાર્યક્રમ યથાવત રાખવાના પક્ષમાં
Updated: Mar 16th, 2023
નવી દિલ્હી,૧૬ માર્ચ,૨૦૨૩,ગુરુવાર
પાકિસ્તાનની આર્થિક કટોકટી જગજાહેર છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) ની લોનની કાગડોળે રાહ જોઇ રહયું છે.પરમાણુ શકિત ધરાવતા પાકિસ્તાન પાસે જીવન જરુરીયાતી ચીજ વસ્તુઓની નિકાસ કરવા માટે નાણા નથી. પરમાણુ કાર્યક્રમની ઘેલછા અને ભારત વિરોધ પાકિસ્તાનને ભારે પડી રહયો છે.
આર્થિક કટોકટી છતાં પાકિસ્તાને જાહેર કર્યુ છે કે આઇએમએફ પાસેથી લોન પેકેજ માંગવા માટે પોતાના પરમાણુ કાર્યક્રમ સાથે કોઇ જ બાંધછોડ કરશે નહી. જો કે આઇએમએફે પરમાણુ બોંબ અંગે કોઇ શરત મુકી છે તે જાણવા મળતું નથી પરંતુ પાકિસ્તાનના નાણામંત્રીએ ઇશાક ડારે પરમાણુ કાર્યક્રમ અંગે એક તરફી સ્પષ્ટતા સૂચક છે. પાકિસ્તાનના સીનેટરે રજા રબ્બાનીએ સીનેટ સત્ર દરમિયાન આર્થિક દેવું અને પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતા વ્યકત કરી હતી.
આઇએમએફ પાકિસ્તાનને પરમાણુ કાર્યક્રમ અંગે કોઇ શરત લાદવા માટે લોન આપવામાં વાર કરી રહયું હોવાની પણ ચર્ચા શરુ થઇ છે. લોકો ભૂખથી ટળવળી રહયા છે રખેને કોઇ બળવો થાય તો પાકિસ્તાનના પરમાણુ બોંબની સુરક્ષાનું શું ? એ અંગે દુનિયાની ચિંતા વધી રહી છે. પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલને આ પેલા એક સાક્ષાત્કારમાં નાણામંત્રીએ ચોખવટ કરી છે કે પાકિસ્તાન પરમાણુ કે મિસાઇલ કાર્યક્રમ અંગે કોઇ પણ પ્રકારની સોદાબાજી કરવા તૈયાર નથી.
એટલું જ નહી પાકિસ્તાન પર કોઇનો હુકમ ચાલશે નહી એવો પણ હુંકાર ભર્યો હતો.આઇએમએફ પાસેથી લોન મેળવવા બાબતે ઇમરાનખાન સરકાર પર સમજૂતી કરવાનો આરોપ મુકયો હતો. આઇએમએફ લોન માટે પાકિસ્તાનને કેટલીક શરતોનું પાલન કરવા માટે દબાણ કરી રહયું છે પરંતુ પાકિસ્તાન સરકારે તમામ નિયમો અને પ્રક્રિયાનું પાલન કર્યુ હોવાનો દાવો કરી રહી છે. આઇએમએફ પાસેથી લોન મળે પાકિસ્તાન માટે અત્યંત જરુરી છે.નહિતર આર્થિક રીતે દેવાળિયો બનતા વાર લાગશે નહી.