Updated: Mar 15th, 2023
– લોકશાહી અંગે ટિપ્પણી, અદાણી મુદ્દે સળંગ ત્રીજા દિવસે સંસદ ઠપ
– અદાણી મુદ્દે ઇડીને ફરિયાદ કરવા વિપક્ષની સંસદમાંથી રેલી, જો કે પોલીસે આ રેલીને વિજય ચોક પાસે જ રોકી દીધી
નવી દિલ્હી : પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના અનેક વિરોધ પક્ષના નેતાઓએ અદાણી ગ્રુપના મહત્ત્વપૂર્ણ રોકાણકાર કંપનીની ડિફેન્સ સેક્ટરમાં સંડોવણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.
ગાંધીએ પ્રશ્ર કર્યો છે કે વિદેશી અજાણી કંપનીને સ્ટ્રેટેજિક ડિફેન્સ ઇક્વિપમેન્ટનું અંકુશ આપીને દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે શા માટે સમાધાન કરવામાં આવ્યું. કોંગ્રેસે આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક પ્રશ્રો પૂછ્યા છે. કોંગ્રેસે પ્રશ્ર કર્યો છે કે મિત્રોના નાણાકીય હિતો માટે શા માટે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવામાં આવી. એક અગ્રણી અખબારમાં છપાયેલા રિપોર્ટ અનુસાર ઇલારા કેપિટલ દ્વારા સંચાલિત વેન્ચર કેપિટલ ફંડ ઇલારા ઇન્ડિયા ઓપર્ચ્યુનિટિસ ફંડ મોરેશિયસમાં રજિસ્ટર્ડ ચાર કંપનીઓ પૈકીની એક છે. આ કંપનીએ અદાણીની કંપનીઓના શેરોમાં મોટા પાયે રોકાણ કર્યુ છે.
અખબારના રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપની ડિફેન્સ કપની બેંગાલુરુની આલ્ફા ડિઝાઇન ટેકનોલોજીૂ પ્રાઇવેટ લિમિટેડમાં ઇલારા કંપની સહમાલિક છે.
આ કંપનીની સ્થાપના ૨૦૦૩માં કરવામાં આવી હતી આ કંપની ઇસરો અને ડીઆરડીઓ સાથે કાર્ય કરી રહી છે અને તેણે ૨૦૨૦માં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય સાથે ૫૯૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. બીજી તરફ વિરોધ પક્ષના સાંસદોએ અદાણી મુદ્દે ઇડીને ફરિયાદ કરવા માટે સંસદમાંથી રેલી કાઢી હતી. જો કે સાંસદોની આ રેલીનેૈ પોલીસે વિજય ચોક પાસે જ રોકી દીધી હતી.
આ દરમિયાન રાહુલ ગાંધીની લોકશાહી અંગેની ટિપ્પણી અને અદાણી મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોબાળો ચાલુ રહેતા સળંગ દિવસે સંસદમાં કાર્યવાહી થઇ શકી ન હતી.