ગત વર્ષ આતંકી હુમલાની જુદી જુદી ઘટનાઓમાં ૬૪૩ લોકોના મુત્યુ
બીએલએ અને ટીટીપી આતંકવાદી સંગઠનોની અમેરિકાની યાદીમાં
Updated: Mar 16th, 2023
નવી દિલ્હી, 16 માર્ચ,2023,ગુરુવાર
ઓસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટયૂટ ફોર ઇકોનોમિકસ એન્ડ પીસ દ્વારા એક વૈશ્વિક આતંકવાદ વાર્ષિક રિપોર્ટ બહાર પાડયો છે જેમાં દક્ષિણ એશિયામાં આતંકવાદની સૌથી વધુ ઘટનાઓ અને મુત્યુ પાકિસ્તાનમાં થયા છે. આતંકી ઘટનાઓના મામલે અશાંત ગણાતા અફઘાનિસ્તાન કરતા પણ પાકિસ્તાન આગળ છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ગત વર્ષ આતંકી હુમલાની જુદી જુદી ઘટનાઓમાં ૬૪૩ લોકોના મુત્યુ થયા છે.
પાકિસ્તાનમાં આતંકીઓ હુમલાઓમાં જે પણ મોત થયા છે તેમાં અડધાથી વધારે સૈન્ય કર્મચારીઓ છે. પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) છેલ્લા કેટલાક સમયથી માથુ ઉંચકી રહી છે. આતંકવાદથી થયેલા મુત્યુદરમાં ૩૬ ટકા બીએલએ જવાબદાર છે.બીએલએ સંગઠન અત્યંત ઘાતક બની રહયું છે જે પાકિસ્તાનથી સ્વાયતતા ઇચ્છે છે. પાકિસ્તાન આર્મી પણ બ્લોચિસ્તાનના અલગાવવાદીઓ પર બેફામ અત્યાચાર કરી રહી છે. આથી બીએલએ પણ પ્રતિકાર માટે વધુને વધુ મજબૂત બની રહયું છે.
ઇરાનની સરહદ સાથે સંકળાયેલો પાકિસ્તાનના આ પ્રાંતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. પાકિસ્તાન,અમેરિકા અને યુકેએ બીએલએ અને ટીટીપી (તહરિકે તાલિબાન પાકિસ્તાન) ને આતંકવાદી સંગઠનોની યાદીમાં સમાવિષ્ટ કર્યુ છે.ગ્લોબલ ટેરરિઝમની ઇન્ડેક્ષની યાદી મુજબ પાકિસ્તાનના આતંકવાદનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનની સરહદ પર કેન્દ્રીત છે. આ સરહદ નજીકના પ્રાંતોમાં હુમલાની સૌથી વધુ ઘટનાઓ બને છે.
ટીટીપી તહરિકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને ઇસ્લામિક સ્ટેટ ખુરસાન દ્વારા પણ આતંકીઓને પ્રોત્સાહન આપી રહયું છે. પાકિસ્તાન તાલિબાન તરીકે ઓળખાતું સંગઠન પાકિસ્તાનમાં અત્યંત ઘાતકી અને ક્રુર દેખાય છે. ૨૦૨૨માં તેણે કરેલા પ્રત્યેક હુમલામાં ૭ લોકોના મોત થયા હતા.બીએલએ દ્વારા ૨૩૩ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા જેમાં ૯૫ ટકા પાકિસ્તાની સૈનિકોનો સમાવેશ થતો હતો.