– હવે પછી ડોલર વધી રૂ.૮૩ની ઉપર જતો રહેશે એવી ભીતિ: ગુરૂવારે રૂપિયો બે સપ્તાહના તળિયે ઉતર્યો
Updated: Mar 16th, 2023
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયો ગબડી બે સપ્તાહના તળિયે ઉતરી ગયાના નિર્દેશો હતા. ડોલરના ભાવ રૂ.૮૨.૬૧ વાળા આજે સવારે રૂ.૮૨.૭૮ ખુલી નીચામાં ભાવ રૂ.૮૨.૬૧થી ૮૨.૬૨ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૨.૮૦ થઈ ૮૨.૭૩થી ૮૨.૭૪ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઓવરનાઈટ તૂટયાના સમાચાર વચ્ચે મુંબઈ કરન્સી બજારમાં આજે શરૂઆતના ટ્રેડિંગમાં રૂપિયામાં ઘટાડે લેવાલી નિકળી હતી પરંતુ ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉંચકાયા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે એવી ચર્ચા પણ સંભળાઈ હતી કે વૈશ્વિક બેન્કિંગ તથા નાણાં કટોકટીને લક્ષમાં રાખતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ફોરેેક્સ રિઝર્વ વધારવા માટે પ્રયત્નો કરશે અને આવા માહોલમાં આરબીઆઈ કરન્સી બજારમાં હાલ તુરત એક્ટીવ બનશે નહિં તથા રૂપિયાને ઉગારવા આરબીઆઈ પ્રયત્નો કરશે નહિં.
આ જોતાં હવે પછી રૂપિયા સામે ડોલરના ભાવ કદાચ રૂ.૮૩ની ઉપર જતા રહેશે સામે રૂપિયો વધુ તૂટતો જોવા મળશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૪.૭૦ તથા નીચામાં ૧૦૪.૪૭ થઈ ૧૦૪.૫૦ આસપાસ બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૦૦.૦૭થી ૧૦૦.૦૮ વાળા ઘટી રૂ.૯૯.૬૬ થી ૯૯.૬૮ રહ્યા હતા.
જ્યારે યુરોપની કરન્સી યુરોના ભાવ રૂ.૮૮.૨૨થી ૮૮.૨૩ વાળા આજે રૂ.૮૭.૮૩થી ૮૭.૮૪ રહ્યા હતા. જાપાનની કરન્સી જો કે રૂપિયા સામે આજે ૦.૬૦થી ૦.૬૫ ટકા પ્લસમાં રહી હતી. ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૧૯ ટકા નરમ રહી હતી. વૈશ્વિક બેન્કિંગ કટોકટી હવે આગળ ઉપર કેવો વળાંક લે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.