Updated: Mar 16th, 2023
જામનગર,તા.16 માર્ચ 2023,ગુરૂવાર
રશિયાથી ક્રૂડ ઓઇલ ભરીને ભારત આવેલી અને સિક્કા બંદરે લાંગરેલી એક રશિયન શિપમાં ફરજ પર રહેલા એક ક્રુ-મેમ્બર રશિયન નાગરિકનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજયું છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે રશિયાથી પનામાં એમ.પી.ચાર્વિ નામની શિપ કે જેમાં ક્રૂડ ઓઇલનો જથ્થો ભરીને ભારત દેશમાં આવી હતી, અને જામનગર નજીકના સિક્કા બંદરની જેટી પાસે લાંગરવામાં આવી હતી.
દરમ્યાન તે શીપમાં રહેલા રશિયન નાગરિક એવા ક્રુ મેમ્બર યોરસ્મોલ યાનીનૉવ (ઉ.વર્ષ 54) કે જે બેશુદ્ધ બની જતાં પોતાની કેબિનમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવવા અંગે જામનગરમાં જ રહેતા અને ખાનગી શિપિંગ કંપનીમાં ફરજ બજાવતા જોબિન થોમસ વર્ગીસે પોલીસને જાણ કરતાં બેડી મેરિન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શિપમાં પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૃતદેહને કોફીનમાં પેક કરીને તેના વતનમાં મોકલવાની પ્રક્રિયાઓ થઈ રહી છે.