– કાર ભાડે ફેરવવાનું કામ કરતા યુ.પીવાસી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યોઃ શરૂઆતમાં સમયસર ભાડુ ચુકવ્યું અને ગીરોખત લખાવી બારોબાર સગેવગે કરી દીધી
– ગીરવે લીધેલી કાર પોલીસકર્મીઓને સસ્તામાં વેચી હોવાની આશંકાને પગલે તે દિશમાં પણ તપાસ
સુરત
સચિન-પારડીના કાર ભાડે આપવાનું કામ કરતા પરપ્રાંતિયને પડોશીએ ધંધામાં ભાગીદાર બનાવ્યા બાદ ભાડે ફેરવવા આપેલી 13 કાર ગીરવે હોવાનું લખાણ લખાવ્યા બાદ બારોબાર સગેવગે કરી દઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ સચિન પોલીસમાં નોઁધાય છે.
ચોર્યાસી તાલુકાના સચિન નજીકના પારડી સ્થિત રાજ અભિષેક સિટી હોમ્સમાં રહેતા અને કાર ભાડે આપવાનું કામ કરતા અનિલકુમાર બ્રીજરાજ જૈસ્વાલ (ઉ.વ. 52 મૂળ રહે. નાટી ઇમલી, કોતવાલી, જિ. વારાણસી, યુ.પી) એ પોતાના રહેણાંક કોમ્પ્લેક્ષમાં રહેતા પંકજ ખત્રી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે બંને એક જ કોમ્પ્લેક્ષમાં રહેતા હોવા ઉપરાંત પંકજ પણ કાર ભાડે આપવાની સાથે કાર લે-વેચનો ધંધો કરતો હોવાથી બંને પરિચીત હતા અને ફેબ્રુઆરી 2022 માં પલસાણા ટી પોઇન્ટ સ્થિત વર્મા શોપીંગ સેન્ટરમાં ભાડાની દુકાનમાં ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. અનિલે પોતાની આઇ 20, સ્વીફ્ટ ડિઝાઇર, એલેન્ટ્રા અને સ્વીફ્ટ કારનું માસિક ભાડુ નક્કી કરી ભાડેથી ફેરવવા પંકજને આપી હતી. બે મહિના બાદ પંકજે ચાર ગાડીમાં પહોંચી વળાતું નથી એમ કહેતા અનિલે વધુ પાંચ કાર ખરીદી ભાડેથી ફેરવવા આપી હતી અને વકીલ પાસે તેનો કોન્ટ્રાક્ટ પણ કર્યો હતો. જેનું સમયસર ભાડુ પંકજ ચુકવતો હતો.
ધંધામાં વધુ કારની જરૂર હોવાથી ઓગષ્ટ 2022 માં અનિલે તેના ફોઇના દીકરા રમેશ જૈસ્વાલને વાત કરતા તેણે પણ ચાર ગાડી નવી ખરીદી અને બીજા દિવસે જ પંકજને આપી દીધી હતી. પંકજે અનિલ સાથે રમેશને પણ શરૂઆતના બે મહિના ભાડુ ચુકવ્યું હતું. પરંતુ ત્યાર બાદ પંકજે પોતાનો ખેલ શરૂ કર્યો હતો. પંકજને અનિલ અને રમેશને કહ્યું હતું કે ગાડી ભાડેથી છે એટલે કોઇ રાખતું નથી, ગીરવે છે તેવું લખાણ કરી આપો. પંકજ નિયમીત ભાડુ ચુકવતો હોવાથી તેના ઉપર વિશ્વાસ રાખી અનિલ અને રમેશે ગાડી ગીરવે છે તેવા લખાણ ઉપર સહી કરી આપી હતી અને ત્યાર બાદ પંકજે ભાડુ ચુકવવાનું બંધ કરી બારોબાર કાર સગેવગે કરી દીધી હતી. અનિલે આ અંગે અરજી કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને અત્યાર સુધી પાંચ કાર કબ્જે લીધી છે. ઉલ્લેખનીય છે કે કાર ગીરવે લઇ બારોબાર સગેવગે કરનાર પંકજ ખત્રીએ સુરત શહેર-જિલ્લાના કેટલાક પોલીસકર્મીઓને સસ્તામાં કાર વેચી હોવાની આશંકાના પગલે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાડે લીધેલી કાર બારોબાર વેચી દેવાના વડોદરાના કૌભાંડમાં પંકજની સંડોવણીની શંકા
તગડુ ભાડુ ચુકવવાની લાલચ આપી ભાડે લીધેલી કાર બારોબાર ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયોમાં વેચી દેવાના કૌભાંડ અંગે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ગત ફેબ્રુઆરીમાં ફરીયાદ નોંધાય હતી. પોલીસે કૌભાંડના માસ્ટર માઇન્ડ મનિષ હરસૌરા અને કામરેજના દિપક રૈયાણીની શોધખોળ કરવાની સાથે દેશના અલગ-અલગ શહેરમાંથી 85 થી વધુ કાર કબ્જે લીધી હતી. આ પ્રકરણમાં વડોદરા પોલીસ દ્વારા પંકજ ખત્રીને નોટીસ ફટકારી હાજર રહેવા તાકીદ કરી હતી. જો કે વડોદરા પોલીસની નોટીસ મળતા વેંત પંકજ તેના પરિવાર સાથે ભુગર્ભમાં ઉતરી ગયો છે.