શહેરમાં ચેઇનસ્નેચરો બેફામ બન્યા
ડી માર્ટ અને ગંગોત્રી સર્કલ રોડ પરની ઘટનાઃ ચેઇન સ્નેચરો રીંગ રોડ તરફ ફરાર થઇ ગયા
Updated: Mar 16th, 2023
અમદાવાદ,ગુરૂવાર
શહેરના નિકોલ ડી માર્ટ ગંગોત્રી સર્કલ રોડ પર બુધવારે મોડી સાંજે
સ્કૂટર પર જઇ રહેલા દંપતિ પાસે આવીને બે ચેઇન સ્નેચરોએ સ્કૂટર પાછળ બેઠેલા વૃદ્વાના
ગળામાંથી સોનાની ચેઇન તોડવા જતા તેના હાથમાં ચેઇનને બદલે કાળી દોરી આવી ગઇ હતી. જેના
કારણે બેલેન્સ ગુમાવતા રસ્તા પર પટકાતા વૃદ્વાને
ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ
કરી છે.આદીનાથનગર ઓઢવમાં આવેલા ઇન્દ્રપાર્કમાં રહેતા ૬૫ વર્ષીય લક્ષ્મીબેન પંચાલ અને તેમના પતિ વિનોદભાઇ
બુધવારે સવારે સ્કૂટર લઇને નિકોલ ડી માર્ટ રોડ પર આવેલા રવિરાજ ડુપ્લેક્સમાં રહેતા
તેમની દીકરીને મળવા માટે ગયા હતા. જે બાદ સાંજના સમયે તે પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે
ગંગોત્રી સર્કલ જવાના રસ્તા પર તેમની પાસે બાઇક પર બે યુવકો આવ્યા હતા અને લક્ષ્મીબેન
કઇ સમજે તે પહેલાં જ બાઇક પાછળ બેઠેલા યુવકે લક્ષ્મીબેનના ગળામાં હાથ નાખી તેમની સોનાની
ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ ચેઇનને બદલે તેમણે પહેરેલો કાળો દોરો હાથમાં આવી
ગયો હતો. જેના કારણે લક્ષ્મીબેન નીચે પટકાયા હતા. જેમાં તેેમને ગંભીર ઇજાઓ થતા સારવાર
માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ
શરૂ કરી છે.