– દોહાના હમદ અને ટોક્યોના હનેડા એરપોર્ટને પાછળ ધકેલ્યા
– એરપોર્ટ ટ્રાન્સપોર્ટ રિસર્ચ સંસ્થાએ વિશ્વના 100થી વધુ દેશોના નાગરિકોનો વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો
સિંગાપુર : સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે રેકોર્ડ ૧૨મી વખત વિશ્વના બેસ્ટ એરપોર્ટ તરીકેનો ખિતાબ હાસિલ થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી આ ખિતાબ દોહાના હમદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મળતો આવ્યો છે. એક જાણીતી એરપોર્ટ ટ્રાન્સપોર્ટ રિસર્ચ કંપનીએ અનેક માપદંડોના આધારે ૨૦૨૩ના વિજેતાઓના નામ જાહેર કર્યા હતાં. જાપાનની રાજધાની ટોક્યોના હનેડા એરપોર્ટે આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. અમેરિકાના કોઈપણ એરપોર્ટને ટોપ-૧૦માં સ્થાન મળ્યું નથી.
સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે વર્ષ ૨૦૧૩થી ૨૦૨૦ વચ્ચે સળંગ આઠ વર્ષ સુધી વિશ્વના બેસ્ટ એરપોર્ટનો ખિતાબ જીત્યો હતો. પરંતુ, બે વર્ષથી દોહાના હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ટોક્યોના હનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે નંબર-૧ અને ૨નું સ્થાન હાસિલ કરીને ચાંગી એરપોર્ટને ત્રીજા સ્થાને ધકેલ્યું હતું. રિસર્ચ સંસ્થાના રિપોર્ટ મુજબ, કંપનીના સર્વેમાં કુલ ૧૦૦થી વધુ દેશના નાગરિકોએ ભાગ લીધો હતો.
આ સર્વેમાં ચાંગી એરપોર્ટને એશિયાના સર્વશ્રેષ્ઠ, ડાઈનિંગ માટે વિશ્વમાં બેસ્ટ અને બીજી ઈતર પ્રવૃતિઓમાં સર્વશ્રેષ્ઠ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રિસર્ચ સંસ્થાએ શોપિંગની સુવિધાઓ, ચેક-ઈન, સિક્યોરિટી, ટ્રાન્સફર અને બીજી અનેક સુવિધાઓના આધારે રેટિંગ આપ્યું હતું. આ વર્ષે જાપાનના બે એરપોર્ટને ટોપ-૧૦માં સ્થાન મળ્યું છે. જાપાનનું નારિતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આ રેકિંગમાં નવમા સ્થાને આવ્યું હતું.
૧૯૮૧માં ખુલ્યા બાદ ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે બેસ્ટ એરપોર્ટના ૬૬૦થી વધુ એવોર્ડ જીત્યા છે. વિશ્વના બેસ્ટ એરપોર્ટ તરીકે અનેકો એવોર્ડ જીતનારા ચાંગી એરપોર્ટમાં હાલમાં તેના ટર્મિનલ-૨માં સુવિધામાં વધારો કરીને ૨૦૨૪ સુધીમાં વાર્ષિક ૫૦ લાખ પેસેન્જરોને સેવા આપવાનું ટારગેટ બનાવવામાં આવ્યું છે.
ચાંગી એરપોર્ટના ટર્મિનલ-૧ થી ૧૦ માળનું શોપિંગ કોમ્પલેક્ષ જોડાયેલું છે. જેમાં, થીમ ગાર્ડન, ૨,૦૦૦ વૃક્ષો સાથેની ફોરેસ્ટ વેલી સહિત, વિશ્વનો સૌથી ઉંચો ઈન્ડોર વોટરફોલ આવેલો છે.
વિશ્વના ટોપ 10 એરપોર્ટની યાદી
(૧) સિંગાપુરનું ચાંગી એરપોર્ટ
(૨) દોહા (કતર)નું હમદ એરપોર્ટ
(૩) ટોક્યો (જાપાન)નું હનેડા એરપોર્ટ
(૪) સિયોલ (દ.કોરિયા)નું ઈન્ચિયોન
(૫) પેરિસ ( ફ્રાંસ)નું ચાર્લ્સ ડિ ગોલ
(૬) ઈસ્તામ્બુલ તુર્કીનું એરપોર્ટ
(૭) જર્મનીનું મ્યુનિક એરપોર્ટ
(૮) સ્વિઝર્લેન્ડનું ઝ્યુરિચ એરપોર્ટ
(૯) ટોક્યો જાપાનનું નરિતા એરપોર્ટ
(૧૦) મેડ્રિડ સ્પેનનું મેડ્રિડ બારાજાસ