કે.કૃતિવાસન પાસે કંપનીમાં 34 વર્ષથી વધુ કામનો અનુભવ
ગોપીનાથને કંપની સાથે 22 વર્ષ કામ કર્યા બાદ રાજીનામું આપ્યું
Updated: Mar 16th, 2023
નવી દિલ્હી, તા.16 માર્ચ-2023, ગુરુવાર
TCSના CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપ્યા બાદ કંપની દ્વારા તાત્કાલિક અસરથી ઈન્ચાર્જ સીઈઓ તરીકે કે.કૃતિવાસનની નિમણૂક કરી છે. ટાટા જૂથની કંપનીએ એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે.
કૃતિવાસન હાલમાં કંપનીના બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ (BFSI) બિઝનેસ જૂથના અધ્યક્ષ અને વૈશ્વિક વડા છે. તેમની પાસે કંપનીમાં 34 વર્ષથી વધુ કામનો અનુભવ છે. જ્યારે રાજેશ ગોપીનાથને કંપની સાથે 22 વર્ષ કામ કર્યા બાદ રાજીનામું આપ્યું છે. તેમણે 6 વર્ષ સુધી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે કામગીરી નિભાવી છે. તેઓ સપ્ટેમ્બર સુધી કંપનીમાં રહેશે. કે.કૃતિવાસન 16 માર્ચથી CEO તરીકે કાર્યભાર સંભાળશે. આગામી નાણાકીય વર્ષમાં તેમને સંપૂર્ણ CEO તરીકે નિયુક્ત કરાશે.