– ભારે વોલેટિલિટીને પગલે રોકાણકારોનું માનસ ખરડાતા કંપનીઓ હાલમાં જાહેર ભરણાં લાવવાથી દૂર
Updated: Mar 16th, 2023
મુંબઈ : દેશના ઈક્વિટીઝ બજારમાં રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાતા કંપનીઓ દ્વારા ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત બજારમાંથી નાણાં ઊભા કરવાની માત્રા પણ વર્તમાન નાણાં વર્ષમાં અડધાથી વધુ ઘટી ગઈ છે.
બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ આઈપીઓ માટે કંપનીઓ દ્વારા દસ્તાવેજ ફાઈલિંગની સંખ્યા વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી ૬૬ રહી છે, જે ગયા નાણાં વર્ષમાં ૧૪૪ રહી હતી. ગયા નાણાં વર્ષમાં રૂપિયા ૨.૬૪ ટ્રિલિયનની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં કંપનીઓએ આઈપીઓ મારફત રૂપિયા ૬૮૫૮૦ કરોડ ઊભા કર્યા છે, જે અંદાજે ૭૦ ટકા ઘટાડો દર્શાવે છે.
ભારતીય શેરબજારોમાં હાલમાં ભારે વોલેટિલિટીને પગલે રોકાણકારોનું માનસ ખરડાયેલું છે, જેને કારણે કંપનીઓ આઈપીઓ મારફત નાણાં ઊભા કરવાનું હાલમાં ટાળી રહી છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.ગયા નાણાં વર્ષમાં બજારમાંથી નાણાં ઊભા કરનારી અનેક કંપનીઓના શેરભાવ હાલમાં ઓફર ભાવથી નીચે ચાલી ગયા છે. વ્યાજ દરમાં વધારાની સ્થિતિમાં રોકાણકારો પણ નિશ્ચિત આવકવાળા સાધનો તરફ વળી રહ્યા છે.
ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ એક એવો દસ્તાવેજ છે જે આઈપીઓ લાવવા ઈચ્છતી કંપનીઓએ સેબી સમક્ષ રજુ કરવાનો રહે છે, જેમાં સંબંધિત કંપનીએ ઓફર કરવા માગતી શેર્સની સંખ્યા, આઈપીઓનો હેતુ, જોખમી પરિબળો, નાણાંકીય પરિણામો વગેરે જણાવવાના રહે છે.
વ્યાજ દરમાં વધારા, વૈશ્વિક મંદીની ચિંતા તથા શેરબજારોમાં ઘટાડા જેવા કારણોસર રોકાણકારો હાલમાં નવા રોકાણ કરવાથી દૂર થઈ રહ્યા છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ પ્રમાણે ઈક્વિટીઝ માર્કટમાં કેશના સરેરાશ દૈનિક ટર્નઓવરમાં રિટેલ રોકાણકારોના હિસ્સામાં નોૅંધપાત્ર ઘટાડો થયાનું જણાવાયું હતું.
વૈશ્વિક મંદી ઉપરાંત અદાણી જુથ અંગે હિન્ડનબર્ગના રિપોર્ટે પણ રોકાણકારોનો રસ ઘટાડી દીધો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધીમાં રૂપિયા ૩૦૬૯૩ કરોડના શેર્સનું વેચાણ કર્યું છે.