Updated: Mar 16th, 2023
નવી દિલ્હી, તા. 16 માર્ચ 2023, ગુરૂવાર
પૃથ્વી પર એવી અનેક અનોખી ઘટનાઓ બને છે જેના વિશે જો તમે વિચારવા બેસશો તો તમારૂ માથું ચકરાઈ જાય. અહીં જોવા મળતી દરેક વસ્તુ એટલી સાધારણ નથી જેટલી આપણે સમજીએ છીએ. તમારામાંથી મોટાભાગના લોકો જાણતા હશે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ દિવસ અને રાત અલગ અલગ સમયે હોય છે.
એટલે કે જ્યારે ભારતમાં સવારના 6:00 વાગ્યા હશે ત્યારે અમેરિકામાં રાત હશ. પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સૂર્ય માત્ર 40 મિનિટ માટે જ અસ્ત થાય છે. સૌથી મોટી વાત એ છે કે 40 મિનિટ પછી એટલે કે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આ દેશમાં ફરીથી સૂર્યનું પહેલું કિરણ ખીલે છે. આજે અમે તમને આ દેશ વિશે જણાવીશું.
આ કયો દેશ છે
આ દેશનું નામ નોર્વે છે. નોર્વે વિશ્વના નકશા પર યુરોપિયન ખંડના ઉત્તરમાં આવેલું છે. આ દેશ ઉત્તર ધ્રુવની ખૂબ નજીક છે તેથી વિશ્વના ઘણા ભાગોની તુલનામાં અહીં ખૂબ ઠંડી પડે છે. વાસ્તવમાં નોર્વે આર્કટિક સર્કલમાં આવે છે તેથી આ વિચિત્ર ઘટના અહીં બને છે. જો કે, આ ઘટના સમગ્ર વર્ષ દરમિયાન થતી નથી પરંતુ આવું માત્ર અઢી મહિના માટે થાય છે. અઢી મહિના સુધી, નોર્વેમાં રાત માત્ર 40 મિનિટની હોય છે. અહીં રાત્રે બરાબર 12:43 વાગ્યે સૂર્ય આથમે છે અને તેના બરાબર 40 મિનિટ પછી એટલે કે રાત્રે લગભગ 1:30 વાગ્યે સૂર્ય ઉગે છે.
આ દેશને મધ્યરાત્રિના સૂર્યનો દેશ કહેવામાં આવે છે
આ અદ્ભુત ઘટનાને કારણે નોર્વેને સમગ્ર વિશ્વમાં મિડનાઈટ સનના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મે મહિનાથી જુલાઈ મહિના સુધી લગભગ 76 દિવસ સુધી નોર્વેમાં સૂર્ય માત્ર 40 મિનિટ માટે જ અસ્ત થાય છે. જો કે આટલા દિવસો સુધી સૂર્ય ઉગવા છતાં અહીં ગરમી નથી પડતી. નોર્વે ઉત્તર ધ્રુવની ખૂબ નજીક હોવાને કારણે અહીં ખૂબ જ ઠંડી પડે છે. આ દેશમાં બરફથી ઢંકાયેલા ઘણા પર્વતો છે અને ઘણા ગ્લેશિયર્સ છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નોર્વેની મોટાભાગની કમાણી તેના પર્યટનમાંથી આવે છે તેથી જ નોર્વેની ગણતરી વિશ્વના કેટલાક ધનિક દેશોમાં થાય છે.