– રશિયા અને અમેરિકા વચ્ચ રાજકીય ગરમાગરમી
– અમેરિકન લશ્કરી અધિકારીનો દાવો : ડ્રોન આંતરરાષ્ટ્રીય જળ સીમામાં રહીને રશિયાની લશ્કરી હિલચાલની માહિતી મેળવે છે
– અમેરિકાએ જારી કરેલા વિડીયોમાં ફાઇટર જેટ ડ્રોન પર ઇંધણ છોડતું દેખાય છે અને પછી તે પ્રોપલરને ટક્કર મારે છે
નવી દિલ્હી : અમેરિકાના એમક્યુ-૯ રીપર ડ્રોનનેરશિયાના એસયુ-૨૭ ફાઇટર જેટે બ્લેક સીમાં પાડી દીધુ. તેના પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તનાવની સ્થિતિ છે. આને લઈને અમેરિકા તથા રશિયા વચ્ચે રાજકીય તનાતની ચાલી રહી છે. આકાશમાં ટકરાવ પછી હવે સમુદ્રમાં પડેલા ડ્રોનના કાટમાળને લઈને બંને દેશ આમને-સામને છે. આ વચ્ચે અમેરિકાએ રશિયાના ફાઇટર જેટે ડ્રોન પર હુમલાનો વિડીયો જારી કર્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રશિયાના જેટે ડ્રોન પર ઘણી વખત ઇંધણ છોડયુ અને પછી તેના પ્રોપલરને ટક્કર મારી.
સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો ૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ સવારે બે રશિયન એસયુ-૨૭ ફાઇટરે અમેરિકાના જાસૂસી ડ્રોનને બ્લેક સીમાં પાડી દીધુ.
અમેરિકાનું કહેવું છે કે જ્યાં આ ઘટના થઈ તે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા છે. તેના પર કોઈ એક દેશનો અધિકાર નથી. યુક્રેનના અધિકારીઓએ પણ અમેરિકાની આ વાતનું સમર્થન કર્યુ. તેમણે જણાવ્યું હતું કે ડ્રોન આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતું.
આ ડ્રોન બ્લેક સી સમુદ્રમાં સ્નેક આઇલેન્ડના દક્ષિણ-પૂર્વમાં પડયું છે. આ દ્વીપ યુક્રેની શહેર ઓડેસાથી ૩૫ કિ.મી. દૂર છે. રશિયાનો દાવો છે કે અમેરિકાનું ડ્રોન ક્રીમિયાના દ્વીપ પાસે ઉડી રહ્યું હતું, જે તેના કબ્જામાં છે. મોસ્કોએ જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધના લીધે તેણે એરસ્પેસ પ્રતિબંધિત કરી રાખ્યો છે.
અમેરિકન ડ્રોન રોમાનિયાના બેઝથી રુટિન ઉડાન પર હતુ. તેણે એક શેડયુલ મિશન દરમિયાન ક્રીમિયા પર નજર રાખવાની હતી, પણ આ માટે તેણે આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર રહીને જ કાર્યવાહી કરવાની હતી. અમેરિકન લશ્કરી અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે આવી એકાદી ઘટનાથી અમેરિકા તેનું મિશન બંધ નહી કરી દે, પણ જારી રાખશે. તેમનો દાવો છે કે અમે આંતરરાષ્ટ્રીય નિયમોને માનીએ છીએ.
રશિયાના એમ્બેસેડર એનાતોલી એન્ટોવે જણાવ્યું હતું કે અમેરિકન ડ્રોન રશિયાની સરહદ પાસે જાસૂસી કરી રહ્યું હતું. ટ્વિટર પર રશિયાના પ્લેનનો અમેરિકાના ડ્રોન પર ઇંધણ છોડતો વિડીયો વાઇરલ થયો છે, પહેલી વખત રશિયન પ્લેન નિષ્ફળ જાય છે, પરંતુ બીજી વખત સફળ થતાં ડ્રોનનો કેમેરો બંધ થઈ જાય છે. પણ પછી તે થોડી વાર બાદ ચાલુ થાય છે ત્યારે પ્રોપલરમાં નુકસાન દેખાય છે.
રશિયાએ જણાવ્યું હતું કે ડ્રોનની ઘટનાથી તે પુરવાર થયું છે કે અમેરિકા યુક્રેન યુદ્ધમાં સક્રિય છે અને યુક્રેનને તે રશિયાની માહિતી જાસૂસી કરી પૂરી પાડી રહ્યું છે. જો કે રશિયાએ ડ્રોનને સમુદ્રમાંથી કાઢવાના પ્રયાસ ચાલુ કરી દીધા છે.