નાણાં આપીને તમારા દીકરાને મુંબઇથી લઇ જજો
રખિયાલ ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસેથી ત્રણ અજાણ્યા લોકો યુવકનું અપહરણ કરી ગયાની ઘટનાઃ રખિયાલ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ આરંભી
Updated: Mar 16th, 2023
અમદાવાદ,બુધવાર
શહેરના રખિયાલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા ૨૨ વર્ષીય યુવકનું
ત્રણ અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ચોંકાવનારી ઘટના રખિયાલ પોલીસ મથકે નોંધવામાં આવી
છે. યુવકના પિતાએ અગાઉ હાથ ઉછીના લીધેલા નાણાં પરત ન કરતા મુંબઇથી આવેલા ત્રણ શખ્સો
યુવકને સાથે લઇ ગયા હોવાનું અને નાણાં ચુકવ્યા બાદ જ તેને લઇ જવા માટે કહેવામાં આવ્યું
છે. રખિયાલ પોલીસની સાથે સાથે ક્રાઇમબ્રાંચની
ટીમ પણ આ કેસની તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.રખિયાલ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી મોરારજી ચોક ખાતેે મુમતાજબાનું
શેખ રહે છે. તેને સંતાનોમાં ત્રણ દીકરી અને બે પુત્ર છે. જેમાં સૌથી મોટા પુત્રનું નામ મોહમંદજુનૈદ છે. મુમતાજબાનું મુળ દિલ્હીના રહેવાસી છે અને પણ તેમના
પતિ અલીમુદ્દીને ખુન કેસમાં સજા તે અમદાવાદ ખાતે પિયરમાં રહેવા માટે આવી ગયા હતા. જે
હાલ પેરોલ પરથી ફરાર છે. બુધવારે સવારે સાત
વાગ્યાના સુમારે તેમના ઘરે ત્રણ અજાણ્યા લોકો આવ્યા હતા. તેમણે મોહંમદજુનૈદ બાબતે પુછપરછ
કરી હતી.જેથી તે તેમને મળવા માટે નીચે આવ્યો હતો. જેના થોડા સમય બાદ તે ત્રણેયને ચા
પીવડાવીને પરત આવી જવાનું કહીને મોબાઇલ ફોન ઘરે મુકીને ગયો હતો. જો કે મોડે સુધી પરત
આવ્યો નહોતો. આ દરમિયાન બપોરના બાર વાગે મુમતાજબાનુના જમાઇ પર અજાણ્યા મોબાઇલ નંબર
પરથી ફોન આવ્યો હતો કે જુનૈદના પિતાએ અમારી પાસેથી હાથ ઉછીના અઢી લાખ રૂપિયા લીધા હતા.
જે પરત કર્યા નથી. તે પૈસા અમને આપી દો..જે અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને આસપાસમાં
તપાસ કરવામાં આવી હતી. પણ જુનૈદની કોઇ ભાળ મળી નહોતી. જેના થોડા કલાકો બાદ ફરીથી અન્ય
મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો કે જુનૈદને અમે બસમાં બેસાડીને મુંબઇ લઇ જઇએ છીએ. અમે
જે સરનામે કહીએ ત્યાં નાણાં આપીને જુનૈદને લઇ જજો. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી
છે. જો કે હજુસુધી જુનૈદની કોઇ ભાળ મળી નથી. ત્યારે ક્રાઇમબ્રાંચ પણ ટેકનીકલ સર્વેલન્સના
આધારે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.