પૂર્વ PM ઈમરાન ખાન સામેના તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ કોર્ટની મહત્વપૂર્ણ સુનાવણી
કોર્ટે કહ્યું, જો ઈમરાન સરેન્ડર કરશે તો કોર્ટ તેની ધરપકડ કરવાથી ઈસ્લામાબાદ પોલીસને રોકશે
Updated: Mar 16th, 2023
ઈસ્લામાબાદ, તા.16 માર્ચ-2023, ગુરુવાર
હાલ પાકિસ્તાન આર્થિક સંકટની સાથે સાથે વધુ એક વિવાદનો સામનો કરી રહ્યો છે. તોશાખાના ગિફ્ટમાં ભ્રષ્ટાચાર મામલે પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે, તો પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઈને ત્યાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે તોશાખાના ગિફ્ટમાં ભ્રષ્ટાચાર કેસમાં આજે ગુરુવારે પાકિસ્તાનની જિલ્લા અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન ન્યાયાધીશે જણાવ્યું કે, જો ઈમરાન ખાન કોર્ટમાં સરેન્ડર કરશે તો તેઓ ઈમરાનની ધરપકડ કરવાથી ઈસ્લામાબાદ પોલીસને રોકશે. અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઝફર ઈકબાલે પાકિસ્તાન ચૂંટણી પંચ (EC) કેસની સુનાવણી દરમિયાન આ વાત જણાવી છે. આ કેસમાં તોશાખાના ગિફ્ટની વિગતો છુપાવવા બદલ પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની અપીલ કરાઈ છે.
ઈમરાન વિરુદ્ધ 28 ફેબ્રુઆરીએ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું
ન્યાયાધીશ ઈકબાલે 70 વર્ષિય ઈમરાન ખાન વિરુદ્ધ 28 ફેબ્રુઆરીએ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને ઈસ્લામાબાદ પોલીસને ઈમરાન ખાનને 18 માર્ચે કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો હતો. કેસની સુનાવણી કરતા ન્યાયાધીશે કહ્યું કે, ઈમરાન ખાનને કોર્ટ પાસેથી કોઈ રાહત માગતા પહેલા બિનશરતી આત્મસમર્પણ કરવું જોઈએ. ખાનના વકીલે ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્દેશ મુજબ સોગંદનામું રજૂ કરતા જણાવ્યું કે, તેમના અસીલ 18 માર્ચે કોર્ટમાં હાજર થશે. ન્યાયાધીશે જણાવ્યું કે, જો પૂર્વ વડાપ્રધાન હાજર નથી તો એફિડેવિટનો શું મતલબ છે. તેમણે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે ઈમરાન ખાન કોર્ટમાં આવે. તેઓ કેમ નથી આવતા ? કારણ શું છે ? ઈમરાને પોલીસ સાથે અસહકાર જ નહીં, પરંતુ કાયદાકીય સહયોગ પણ આપવો જ પડશે.
કાયદા પ્રમાણે ઈમરાનને સીધો જ કોર્ટમાં લાવવો જોઈતો હતો
ઈમરાન ખાનના વકીલ ખ્વાજા હૈરિસે સ્પષ્ટત કહ્યું કે, તેઓ 18 માર્ચે કોર્ટમાં હાજર થવા અંગે એફિડેવિટ આપવા માંગે છે. આ અંગે ન્યાયાધીશે જણાવ્યું કે, જો ઈમરાન કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરશે તો તેઓ ઈસ્લામાબાદ પોલીસને તેમની ધરપકડ કરવાથી રોકશે. કોર્ટે કહ્યું કે, કાયદેસર ઈમરાનને સીધો કોર્ટમાં લાવવો જોઈતો હતો. કોર્ટમાં હાજર થવા દરમિયાન તેમને હેરાન કરવાનું શક્ય નથી. ન્યાયાધીશે કહ્યું કે, જો ઈમરાન કોર્ટમાં આવી ગયા હોત તો તેમના ઘરની બહાર પોલીસને બેસવાની જરૂર ન પડત… અને ગરીબ દેશ હોવાના કારણે પાકિસ્તાનને આવા કિસ્સાઓમાં પોતાના સંસાધનો ખર્ચ પોષાય તેમ નથી…