Updated: Mar 16th, 2023
– અગાઉ પોલીસમાં ફરિયાદ કરી હોવાથી તેનું મનદુઃખ રાખીને બે આરોપીઓએ ધમકી ઉચ્ચારી
જામનગર,તા.16 માર્ચ 2023,ગુરૂવાર
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને તેના મોબાઈલ ફોન પર અને તેના મિત્રના મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અને ગાળો ભાંડવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ પોલીસમાં ફરિયાદ કરી હોવાથી તેનો ખાર રાખીને આ ધમકી અપાતી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. યુવાનની પત્ની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં ભોળેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં રહેતી રિધ્ધીબેન વિપુલભાઈ ચૌહાણ નામની મહિલાએ સીટી સી. ડીવિઝન પોલીસમાં પોતાના પતિને મોબાઇલ ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે હિમાંશુ પ્રભુભાઈ પરમાર અને રાજ પરમાર નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર રિદ્ધિબેનના પતિ વિપુલભાઈ ચૌહાણએ બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી, જેનું મનદુઃખ રાખીને આરોપીઓ મોબાઇલ ફોનમાં ધમકી ઉચ્ચારતા હતા, જેથી બંને આરોપીઓના ફોન તેના પરથી વિપુલભાઈ ચૌહાણ ઉપાડતા ન હોવાથી તેના મિત્રોમાં ફોન કરીને તેમજ ઓડિયો મેસેજ મોકલીને ધાક ધમકી અપાતી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.