આ સમુદાય ૧૯૯૦માં પહેલીવાર દુનિયાના સંપર્કમાં આવ્યો હતો
તેમના ઇલાકામાં બહારની જાતિનો માણસ પ્રવેશી શકતો નથી
Updated: Mar 17th, 2023
પોર્ટ બ્લેર, 17 માર્ચ,2023,શુક્રવાર
દુનિયામાં બ્યુટી પ્રોડકટના નામે ગોરા બનવા માટેનો અબજો રુપિયાનો વ્યવસાય ચાલે છે પરંતુ આંદામાન નિકોબાર ટાપુમાં ગોરા બાળકનો જન્મ થવોએ તેની માતા માટે અભિશાપ બની ગયો છે. સૌથી આઘાતજનક વાત તો એ છે કે ગોરી ચામડી ધરાવતા બાળકનો જન્મ થાય ત્યારે તરત જ તેને ક્રુરતાપૂર્વક મારી નાખવામાં આવે છે. આ પ્રથા આંદામાનમાં રહેતી જારવા જનજાતિના લોકોમાં જોવા મળે છે.
આ જનજાતિના બધા જ લોકોના શરીરનો વાન કાળા રંગનો છે. આથી ગર્ભવતી સ્ત્રી પોતાને કાળા રંગનું સંતાન જન્મે તેવી ભગવાનને પ્રાર્થના કરે છે. આ સમુદાયના લોકોમાં એવી માન્યતા છે કે પ્રેગનન્ટ મહિલાઓને પશુઓનું લોહી પીવડાવવામાં આવે તો બાળક કાળુ જન્મે છે. કાળોવાન ધરાવતું બાળક છોકરો હોય કે છોકરી લોકો તેના જન્મોત્સવને ઉજવે છે. જો કે ભૂલેચૂકે બાળક ગોરા રંગનું જન્મે તો માતા પાસેથી બળજબરીથી છીનવીને મારી નાખવામાં આવે છે.
ઘણી વાર તો બાળક જન્મ સમયે કાળુ હોય પરંતુ પછી વાન ગોરો થવા માંડે તો પણ જોખમ રહે છે. આથી માતા પોતાના ગોરા બાળકના મોં ને સતત ઢાંકી રાખે છે. આંદામાન ટ્રન્ક રોડના રહેણાક વિસ્તારની નજીક આ સમુદાયના લોકો રહે છે. તેમના ઇલાકામાં બહારની જાતિનો કોઇ પણ માણસ દિવસે કે રાત્રે પ્રવેશી શકતો નથી. જો કે હવે તેઓ જાતે જ પ્રવાસીઓના સંપર્કમાં આવવા લાગ્યા છે.
ગોરા રંગ પ્રત્યે તેમને આટલી નફરત શા માટે છે તે અંગે જાણવા મળતું નથી પરંતુ ગોરુ બાળક પોતાની જાતિનું ના હોઇ શકે તેવી માન્યતા ધરાવે છે. આંદામાનમાં રહેતા જારવા સમુદાયના લોકો મૂળ આફ્રિકાના છે. તેઓ ૫ હજાર વર્ષથી અહીં રહેતા હોવાનું માનવામાં આવે છે. આ સમાજમાં બીજા સમુદાયના પુરુષ કે સ્ત્રીએ લગ્ન કરવાની મનાઇ છે. તેઓ પોતાની ઓળખ અને ઓલાદની શુધ્ધતા અંગે કોઇ જ જોખમ લેતા નથી. આંદામાનના દક્ષિણ અને મધ્ય ઇલાકામાં રહેતો આ માનવ સમુદાય ૧૯૯૦માં પહેલીવાર દુનિયાના સંપર્કમાં આવ્યો હતો.