Updated: Mar 17th, 2023
– હાઈકોર્ટે યુવક પર 5 હજારનો દંડ ફટકાર્યો
અમદાવાદ, તા. 17 માર્ચ 2023, શુક્રવાર
ગુજરાતમાં પ્રેમ પ્રસંગનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં યુવકે પોતાની પરિણીત ગર્લફ્રેન્ડની કસ્ટડી અપાવવાની અપીલ કરી છે. તેના પર હાઈકોર્ટે યુવક પર 5 હજારનો દંડ ફટકાર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે અપીલ કરનારો કથિત પ્રેમી લિવ-ઈન અંગે થયેલા કરારના આધારે આ કસ્ટડી માંગતો હતો. મહિલા તેના પતિને છોડીને આ વ્યક્તિ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. જેના કારણે પ્રેમીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ગુજરાતના બનાસકાંઠામાં એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું કે, જે મહિલા સાથે તે રિલેશનમાં છે તે તેની કસ્ટડી માંગી રહ્યો છે. મહિલાના લગ્ન તેની મરજી વિરુદ્ધ અન્ય વ્યક્તિ સાથે કરી દેવામાં આવ્યા હતા. પરંતુ બંને લાંબો સમય એકબીજા સાથે નહોતા રહ્યા. મહિલાએ પોતાના પતિ અને સાસરુ છોડી દીધુ હતું. ત્યારબાદથી જ તે મહિલા આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહેતી હતી અને મહિલીએ પણ અરજદાર સાથે લિવ-ઈન રિલેશનશિપનો અગ્રિમેન્ટ સાઈન કર્યો હતો.
અરજીમાં વ્યક્તિએ કહ્યું કે, થોડા સમય પછી મહિલાને તેના પરિવારજનો અને સાસરીયાવાળા બળજબરીપૂર્વક તેના પતિ પાસે પાછી લઈ ગયા હતા. તેથી વ્યક્તિએ હાઈકોર્ટમાં પોતાની પરિણીત પ્રેમિકાની કસ્ટડી મેળવવા માટે અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાને તેની મરજી વિરુદ્ધ તેના સાસરિયામાં રાખવામાં આવી છે જ્યાં તેને તેના પતિ દ્વારા ગેરકાયદેસર રીતે કેદ કરી રાખવામાં આવી છે.
અરજીમાં હાઈકોર્ટને પોલીસને તેના પતિથી મહિલાની કસ્ટડી અપાવવા અને ગર્લફ્રેન્ડને તેને પાછી આપવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા કહ્યું કે, અરજદાર પાસે એવો કોઈ અધિકાર નથી. જો મહિલા પોતાના પતિ સાથે રહી રહી છે તો એવું ન કહી શકાય કે, તેને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવી છે.
આ અજીબોગરીબ કેસની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ.પંચોલી અને જસ્ટિસ એચ.એમ.પ્રચાકની ખંડપીઠે કહ્યું કે, અરજદારના મહિલા સાથેના લગ્ન ખોટા છે અને મહિલાએ તેના પતિથી છૂટાછેડા પણ લીધા નથી. કોર્ટે કહ્યું કે, મહિલાનું તેના પતિ સાથે રહેવું ગેરકાયદેસર જાહેર કરી શકાય નહીં. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, કથિત લિવ-ઈન રિલેશનશિપ એગ્રીમેન્ટના આધારે અરજદારને અપીલ કરવાનો અધિકાર નથી. આ સાથે કોર્ટે અરજદારને 5,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.