Updated: Mar 17th, 2023
– “મહાયુદ્ધ’ના ભણકારા
– પોલેન્ડ સાથે અન્ય ‘નાટો’ દેશો પણ જોડાયા છે, ચેકરીપબ્લિકે તે યુદ્ધમાં સમર્થન આપ્યું
કીવ : રશિયા સામેનાં યુદ્ધમાં યુક્રેનને સમર્થન આપી રહેલા ‘નાટો’ દેશો હવે ખુલ્લેઆમ યુક્રેન સાથે યુદ્ધમાં શસ્ત્ર સહાય કરવા તૈયાર થયા છે. હજી સુધી એકમાત્ર અમેરિકા જ યુક્રેનને શસ્ત્રાસ્ત્રોની સહાય કરતું હતું. હવે નોર્થ-એટલાંટિક-ટ્રિટી ઓર્ગેનાઇઝેશન (નાટો)ના સભ્ય દેશ પોલેન્ડ યુક્રેનને રશિયન બનાવટનાં ચાર મિગ-૨૯ વિમાનો આપવાનું છે.
પોલેન્ડ પાસે હવે ચેકરિપબ્લિક પણ યુક્રેનને શસ્ત્ર સહાય કરવા નિર્ણય લીધો છે. તે પૂર્વે જર્મનીએ અતિબળવાન ટેન્કો યુક્રેનને આપવાનું છે.
પોલેન્ડના રાષ્ટ્રપતિ આંટ્રેજ ડુડાએ કહ્યું હતું કે, અમે વહેલામાં વહેલી તકે તે યુદ્ધ વિમાનો યુક્રેનને આપીશું, હજી સુધી મિગ-૨૯, પોલેન્ડનાં આકાશની જ રક્ષા કરતું હતું પરંતુ અમે નિર્ણય લીધો છે કે યુક્રેનને પણ તે વિમાનો આપવામાં આવે.
પોલેન્ડે અન્ય નાટો દેશો કરતાં શસ્ત્રો આપવામાં પહેલ કરી છે. હવે તેને પગલે બીજા નાટો સભ્યો પણ જવા સંભવ છે.
ચેકરિપબ્લિકે પણ પોલેન્ડનાં પગલે યુક્રેનને શસ્ત્ર સહાય કરવા નિર્ણય લીધો છે.
નિરીક્ષકો કહે છે કે, યુક્રેન-યુદ્ધમાં એક તરફ તબાહી વધી રહી છે. સાથે યુદ્ધની તીવ્રતા પણ વધી રહી છે. શીત-યુદ્ધ સમયે જેમ દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. તેમ જ અત્યારે પણ દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. તે સાથે ‘મહાયુદ્ધ’ના ભણકારા વાગી રહ્યાં છે. એક તરફ અમેરિકા અને તેના સાથી દેશો હશે બીજી તરફ રશિયા અને ઉ.કોરિયા અને ઈરાન હશે.