વરરાજા બીજા દિવસે કન્યા પક્ષના ઘરે જતા થયો વિવાદ, ગામના લોકોએ પણ બંધક બનાવી શિખવ્યો પાઠ
લગ્ન ભુલેલા વરરાજા અંગે કન્યાએ સમાજની છોકરીએને કરી અપીલ, કહ્યું આવા શરાબી છોકરા સાથે લગ્ન ન કરે
Updated: Mar 17th, 2023
Image Pixabay |
પટણા, તા.17 માર્ચ-2023, શુક્રવાર
બિહારના ભાગલપુરના સુલતાનગંજના મિર્ઝાપુરમાંથી ગજબની ઘટના સામે આવી છે. આ મામલામાં વરરાજાએ લગ્નના દિવસે એટલો બધો દારુ ઢીંચ્યો કે તે તેના લગ્નમાં જ જવાનું ભુલી ગયો… અને જ્યારે બીજા દિવસે વરરાજાનો નશો ઉતર્યો તો તે તુરંત કન્યા પક્ષને ત્યાં પહોંચી ગયો હતો. જોકે લગ્નની બીજા દિવસે વરરાજા પહોંચતા કન્યા પક્ષે પણ જોરદાર હંગામો મચાવી દીધો હતો. હંગામા વચ્ચે વરરાજાએ કન્યા પક્ષ તરફ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ કન્યાએ ના પડી દીધી. ત્યારબાદ વરરાજાના પક્ષ તરફથી લગ્ન થવા દેવા અંગે વાત કરવામાં આવતા કન્યા પક્ષે વિવાદ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન ગામના લોકોએ પણ વરરાજા અને તેના પક્ષના લોકોને બંધક બનાવી દીધા હતા અને લગ્નની તૈયારીમાં થયેલા ખર્ચની માંગ કરવા લાગ્યા હતા.
કન્યાએ કહ્યું, દારુડીયા છોકરા સાથે લગ્ન ન કરો
વિવાદ વધતાં વરરાજાના પરિવારજનોએ લગ્નની તૈયારીનો ખર્ચ આપવાનું યોગ્ય માન્યું. નાણાં આપ્યા બાદ વરરાજા પક્ષ મહામુસીબતે ત્યાંથી ભાગી નિકળ્યા… કન્યાએ કહ્યું કે, છોકરાના કારસ્તાથી તે નાખુશ છે. લગ્નના દિવસે દારૂના નશામાં ધૂત વરરાજાના આ કારનામાથી મારા પરિવારની સમાજમાં બદનામી થઈ છે. છોકરો અત્યારથી જ દારૂનો આટલો વ્યસની છે તો પછી ખબર નહીં શું થશે… યુવતીએ જણાવ્યું કે, હું સમાજની તમામ છોકરીઓને અપીલ કરું છું કે આવા શરાબી છોકરા સાથે લગ્ન ન કરે.
વરરાજાના પક્ષે કહ્યું, અમારી સાથે ખોટું બોલીને લગ્ન કરવાનું કાવતરું ઘડ્યું
આ ઘટનાને લઈ યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી, જેમાં પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ કરાઈ રહી છે. કન્યા પક્ષનું કહેવું છે કે, લગ્નમાં ઘણા નાણાંનો ખર્ચ કરાયો હતો… લગ્ન તુટવાથી પરિવારની બદનામી થઈ… વરરાજા પક્ષે અમારી સાથે ખોટું બોલીને લગ્ન કરવાનું કાવતરું રચ્યું… છોકરાના લગ્ન અગાઉ થયેલા છે, તેને 2 બાળકો પણ છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવી જોઈએ.