Updated: Mar 17th, 2023
વડોદરા,તા.17 માર્ચ 2023,શુક્રવાર
વડોદરા શહેરના પાઇપલાઇન થી ગેસ મેળવનારા ગ્રાહકોના જૂના મિત્રો થઈ ગયા હોય તેને આડેધડ વધુ રકમના બીલો મોકલવામાં આવતા વડોદરા ગેસ કંપનીની ઓફિસ ખાતે ગ્રાહકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈ ઉકેલ આવતો નથી
અગાઉ અનેકવાર વિવાદ વચ્ચે પણ વડોદરા ગેસ લિમિટેડ ગ્રાહકોના વધુ નાણા કેવી રીતે વસુલવા તેના રસ્તા શોધી કાઢતું હોય છે. તાજેતરના મહિનામાં વડોદરા ગેસ લિમિટેડે ગ્રાહકોને આપેલા ગેસના બિલમાં જો તેમનું ગેસનું મીટર વર્ષો જૂનું હોય તો ગેસ મીટર ફોલ્ટી છે તેમ જણાવી દર મહિને આવતા સામાન્ય બીલથી અઢીથી ત્રણ ગણું વધુ બિલ ફટકાવ્યું છે. જેથી લાખો ગ્રાહકોને વધુ નાણાં ચૂકવવાની નોબત ઊભી થઈ છે.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા માર્ચ મહિનામાં ગેસના જે બિલ આપવામાં આવ્યા છે જેમાં “ગ્રાહકનું જો ગેસનું મીટર જૂનું છે તો આ મીટરમાં આંકડા ફરવા જોઈએ તે યોગ્ય રીતે ફરી રહ્યા નથી” તેમ જણાવી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ ગ્રાહકોને આડેધડ બિલ ફટકારવામાં આવ્યા છે. આ અંગે જો કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો ગેસ વિભાગના અધિકારીઓ ઉદ્ધત જવાબ આપી રહ્યા છે અને તેઓએ તારીખ 20 પહેલા તેમના બાકી પડતા નાણાં ચૂકવી દેવા પડશે તેમ જણાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં વડોદરા ગેસ લિમિટેડ કોઈ નક્કર આયોજનના બદલે “જો” અને “તો” ધારણાથી નાગરિકો પાસેથી વધુ નાણા વસૂલી રહ્યા હોવાની બાબત ફલિત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વર્ષો જુના ગેસ મીટર બદલવા અંગે અનેક ગ્રાહકોને ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવી નથી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અમે અમારા ગ્રાહકોને તેમના ગેસ મીટર બદલવા માટે ટેલિફોન પર સૂચના આપી છે પરંતુ લેખિત કોઈ જાણકારી પાઠવવામાં આવી નથી! ત્યારે હાલ અનેક વખત ફોન પર થતા ફ્રોડના કિસ્સામાં એક ફોન પર ભરોસો રાખી ગ્રાહકો સામેની અજાણ વ્યક્તિ સાથે સંવાદ કરી કેવી રીતે ખાત્રી કરી શકે કે સામેની બાજુએ બોલતી વ્યક્તિ હકીકતમાં ગેસ વિભાગમાં છે કે નહીં? સરકારી તંત્ર દરેક બાબતમાં હંમેશા પોતાનો કક્કો સાચો સાબિત કરવા માટે ગેસ ગ્રાહકોની દલીલ સ્વીકારતા નથી જેથી લોકોનો મરો થઈ રહ્યો છે.
અગાઉ વિવાદ થવા છતાં બંધ મીટરોના રૂપિયા વસૂલવા VLGએ બિલો ફટકાર્યા
શહેરમાં લાખો ગ્રાહકો ધરાવતું વડોદરા ગેસ લિમિટેડ ગેસ ધારકોના ખિસ્સા ખંખેરવામાં મહેર છે. અગાઉ પણ જે વ્યક્તિના ઘરના ગેસ મીટર બંધ હોય તેઓને 0 બિલ આવતું હતું. પરંતુ ગત ડિસેમ્બર મહિનામાં સંખ્યાબંધ ગ્રાહકોને નાણાં ચૂકવવાના બિલ આવ્યા હતા. જેથી આ અંગે વિવાદ ઊભો થતા ગેસ વિભાગના અધિકારી શૈલેષ નાયકે આવા બિલમાં બાકી દર્શાવવાની રકમ નહીં ચૂકવવી પડે તેવી જાહેરાત કરી હતી. ત્યારે ફરી એક વખત અનેક ગ્રાહકોના ગેસ મીટર બંધ હોવા છતાં તેઓને નાણાં ભરવા માટેના બિલ ફટકારવામાં આવતા ફરી એક વખત વિવાદના એંધાણ છે.