એક્સાઈઝ પોલિસી કૌભાંડના આરોપોથી ઘેરાયેલા સિસોદિયાનો બંગલો નવા શિક્ષણ મંત્રી આતિષીને ફાળવાયો
સિસોદિયાના પરિવારે 21 માર્ચ સુધીમાં બંગલો ખાલી કરવો પડશે : કોર્ટે સિસોદિયાના ED રિમાન્ડ વધુ લંબાવ્યા
Updated: Mar 17th, 2023
Image – Facebook |
નવી દિલ્હી, તા.17 માર્ચ-2023, શુક્રવાર
દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી કૌભાંડના આરોપોથી ઘેરાયેલા મનીષ સિસોદિયાનો બંગલો નંબર AB-17 મથુરા રોડ, નવા શિક્ષણ મંત્રી આતિષીને ફાળવાયો છે. ત્યારબાદ સિસોદિયાના પરિવારે 21 માર્ચ સુધીમાં આ બંગલો ખાલી કરવો પડશે. ઉલ્લેખનિય છે કે, હાલમાં મનીષ સિસોદિયા એક્સાઈઝ કેસમાં EDની કસ્ટડીમાં છે. 26 ફેબ્રુઆરીએ CBIએ એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સિસોદિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ CM અરવિંદ કેજરીવાલ સરકારે આતિષી માર્લેનાને કેબિનેટમાં સામેલ કર્યા અને તેમને સિસોદિયાના મંત્રાલયો સોંપ્યા છે.
કોર્ટે સિસોદિયાના ED રિમાન્ડ વધુ 5 દિવસ લંબાવ્યા
રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાના ED રિમાન્ડમાં વધુ 5 દિવસ લંબાવ્યા છે. ત્યારબાદ સિસોદિયા 22 માર્ચ સુધી જેલમાં રહેશે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં લવાયા હતા. સિસોદિયાની કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. EDએ કોર્ટ પાસે સિસોદિયાના વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
સિસોદિયાની 7 દિવસમાં માત્ર 11 કલાક પૂછપરછ
અગાઉ EDએ કોર્ટ કહ્યું હતું કે, જો સિસોદિયાના રિમાન્ડ નહીં મળે તો અત્યાર સુધીમાં જે પણ તપાસ થઈ છે તે બેકાર થઈ જશે. તો બીજી તરફ સિસોદિયાના વકીલે દલીલ કરી હતી કે, પૂછપરછના નામ પર એજન્સી તેમને આમ-તેમ બેસાડી દે છે. સાત દિવસમાં માત્ર 11 કલાકની પૂછપરછ થઈ છે.