શાહ સુપર માર્કેટમાં બગીચા,પાર્કિંગ અને શૌચાલયની જગ્યામાં બિન અધિકૃત બાંધકામ કરી દેવાયું
Updated: Mar 17th, 2023
કલોલ, 17 માર્ચ 2023 શુક્રવાર
કલોલમાં છેલ્લા 20 દિવસથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ ચાલી રહી છે. આ ઝુંબેશ બાદ કલોલ નગરપાલિકામાં દબાણ અરજીઓનો ખડકલો થઈ ગયો છે. શહેરમાં આવેલ શાહ સુપર માર્કેટમાં ગેરકાયદે બાંધકામ કરાયું હોવાથી તેને તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવવા જાગૃત નાગરિકે નગરપાલિકામાં લેખિત અરજી સ્વરૂપે માંગ કરી છે.
રસ્તો સાંકડો બનતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ
કલોલના શોપિંગ સેન્ટરમાં ગાર્ડન, શૌચાલય તથા પાર્કિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા બિન અધિકૃત બાંધકામ કરીને દુકાનોનું વેચાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. પાર્કીંગની જગ્યામાં બિલ્ડીંગ, બે દુકાનો વચ્ચે ગેરકાયદેસર સીડી તેમજ બગીચાની જગ્યામાં ફ્લેટ અને દુકાનો તાણી પડાઈ છે. આ કારણે લોકોને વાહનો પાર્ક કરવા માટે જગ્યા બચી નથી. શોપિંગમાં આવતા લોકો તેમજ વેપારીઓ રોડ વચ્ચે જ વાહન મુકતા હોવાથી રસ્તો સાંકડો બનતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. ગેરકાયદે બાંધકામોને કારણે શોપિંગમાં બગીચો,શૌચાલય અને પાર્કિંગની જગ્યા વધી ન હોવાથી વેપારીઓ આ સુવિધાથી વંચિત રહી ગયા છે. જેને પગલે નવી ટીપી સ્કીમ લાગુ કરી બિન અધિકૃત બાંધકામ દૂર કરવા માંગણી કરાઈ છે.
શારદા સર્કલ પાસેના દબાણો તોડી પડાયા
કલોલમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ શારદા સર્કલથી બોરીસણા ગરનાળા સુધીના ગેરકાયદે બાંધકામો તેમજ દુકાનોના ઓટલા બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું. બાલાજી કોમ્પ્લેક્સના વેપારીઓએ ફુટપાથ પરથી લારી ગલ્લાનું દબાણ હટાવવા માંગ કરી હતી.જેને પગલે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ દબાણ યથાવત છે ત્યારે નગરપાલિકા દ્વારા ક્યારે કાર્યવાહી કરાશે તે જોવાનું રહ્યું છે.