Updated: Mar 16th, 2023
– એક્સાઈઝ કૌભાંડ પછી સીબીઆઈની વધુ એક કાર્યવાહી
– પીએમ મોદી સિસોદિયા વિરુદ્ધ અનેક ખોટા કેસો કરાવી લાંબો સમય જેલમાં રાખવા માગે છે : સીએમ કેજરીવાલ
નવી દિલ્હી : દિલ્હીમાં દારૂ કૌભાંડ પછી હવે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા કથિત જાસૂસીકાંડમાં ફસાયા છે. અગાઉથી જ દારૂ કૌભાંડ માટે જેલમાં કેદ મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈએ હવે જાસૂસીકાંડ અંગે એફઆઈઆર નોંધાવી છે.
દિલ્હી સરકારના “ફીડબેક યુનિટ’માં કથિત અનિયમિતતાઓ અંગે મનીષ સિસોદિયા તથા અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો કેસ નોંધાયો છે. મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધાવ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર હુમો કર્યો છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદી મનીષ સિસોદિયા વિરુદ્ધ અનેક ખોટા કેસો કરાવીને તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવા માગે છે. દેશ માટે આ દુ:ખદ છે.
કેજરીવાલના અધ્યક્ષપદે કેબિનેટની મંજૂરી સાથે સપ્ટેમ્બર ૨૦૧૫માં ફીડબેક યુનિટની રચના કરાઈ હતી. આ યુનિટને સીધા જ મુખ્યમંત્રી ઓફિસને રિપોર્ટ કરવાનો આદેશ હતો. આ માટે એવો તર્ક અપાયો કે સરકારી યોજનાઓના મોનિટરિંગ અને ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓને પકડવા માટે આ યુનિટ બનાવાયું હતું. જોકે, આ યુનિટ મારફત નેતાઓની જાસૂસી કરાઈ હતી.
એવો પણ આરોપ છે કે એફબીયુમાં નિમણૂકો માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. જોકે, આ પહેલાંના ઉપરાજ્યપાલ નજીબ જંગે એફબીયુ માટે ગુપ્ત રીતે સીબીઆઈને તપાસ સોંપી હતી. તે સમયે સીબીઆઈએ આ કેસની તપાસ કરી હતી.