ફેસબુકમાં ફ્રેન્ચાઇઝ સ્ટોર શોધવાનું ભારે પડયું
એરિયા રજીસ્ટ્રેશનથી લઇને ફર્નિચર સુધીના નાણાં એડવાન્સમાં લેવામાં આવ્યા ઃ બોપલ પોલીસે ગુનો નોંધ્યો
Updated: Mar 17th, 2023
અમદાવાદ,ગુરૂવાર
શહેરના બોપલ ખાતે મેડીકલ સ્ટોરમાં
નોકરી કરતા વ્યક્તિને મેડીકલ સ્ટોરની ફ્રેન્ચાઇઝ લેવા માટે ફેસબુકમાં ઓનલાઇન તપાસ
કરવાનું ભારે પડયું હતું. જેમાં ટાટા
કંપનીના મેેડીકલ સ્ટોરની બોપલમાં ફ્રેન્ચાઇઝ આપવાના નામે ગઠિયાએ રૂપિયા ૩.૫૮ લાખની
રકમ ઓનલાઇન લઇને છેતરપિંડી કરી લીધી હતી. જે અંગે અમદાવાદ ગ્રામ્ય સાયબર પોલીસે
ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે
વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલા રોયલ હાઇટ્સમાં રહેતા સાગરભાઇ કાસુન્દ્રા બોપલ ટ્રેડ સેન્ટરમાં આવેલા મેડીકલ
સ્ટોરમાં નોકરી કરે છે.ગત ૨૩મી જાન્યુઆરીના રોજ તે મોબાઇલ ફોનમાં તેમના મેડીકલ
સ્ટોર માટે ફ્રેન્ચાઇઝી લેવા માટે ફેસબુક તેમજ અન્ય સાઇટ પર વિગતો સર્ચ કરી રહ્યા
હતા ત્યારે ટાટા વન એમજી નામની મેડીકલ સ્ટોરના નામે ફેસબુક પર ઓનલાઇન નંબર મળી
આવ્યા હતા. જેના પર કોલ કરતા સામેથી સંદીપ કશ્યપ નામના વ્યક્તિએ પોતાની ઓળખ ટાટા
વન એમજી નામના સ્ટોર્સની ચેઇનની દિલ્હીની ઓફિસ અધિકારી તરીકે આપી હતી. જેણે સાગરભાઇને લલચામણી ઓફર આપી
હતી. જેની લાલચમાં આવીને તેમણે હા પાડતા સંદીપેે એરિયા બુક કરવા માટે રૂપિયા ૧૫
હજાર જમા કરાવવાનું કહીને નાણાં જમા કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો મોકલી હતી.
જે બાદ એગ્રીમેન્ટ, ફર્નિચર અને એસી ફીટીગંની કામગીરી માટે
એડવાન્સમાં કુલ ૩.૫૮ લાખ જેટલી રકમ ઓનલાઇન મંગાવી લીધી હતી. જો કે ત્યારબાદ
સાગરભાઇને શંકા તેમણે પુછપરછ કરતા સંતોષજનક જવાબ મળ્યો નહોતો. જેથી આ અંગે છેવટે
પોલીસ ફરિયાદ નોંધાવી હતી.