ગુજરાત બોર્ડ પરીક્ષા ઃ ત્રીજા દિવસે ગેરરીતિના ૬ કેસ
સ્ટેટના પેપરમાં અમદાવાદમાંથી વિદ્યાર્થી, કેમિસ્ટ્રીના પેપરમાં સુરત-વડોદરમાંથી બે વિદ્યાર્થિની પકડાઈ
Updated: Mar 17th, 2023
અમદાવાદ
ગુજરાત શિક્ષણ
બોર્ડની ૧૪મીથી શરૃ થયેલી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં આજે ત્રીજા
દિવસે ધો.૧૨ની પરીક્ષામાં જ એક સાથે છ ગેરરીતિના કેસ નોંધાયા છે અને જેમાં ત્રણ કેસ
મોબાઈલ સાથેના નોંધાયા છે.ધો.૧૨ના સ્ટેટેસ્ટિક્સના પેપરમાં અમદાવાદ ગ્રામ્યના સેન્ટરમાંથી
એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો. જ્યારે ધો.૧૨ કેમિસ્ટ્રી વિષયની પરીક્ષામાં
સુરતમાંથી એક અને વડોદરામાંથી એક સહિત બે વિદ્યાર્થિનીઓ મોબાઈલ સાથે પકડાઈ હતી.
ધો.૧૨માં
સવારના સેશનમાં ઈતિહાસ વિષયની પરીક્ષા હતી. ઈતિહાસનું પેપર એકંદરે સરળ રહ્યુ હતુ.
આ પરીક્ષામાં ૪૨૭૦૫ વિદ્યાર્થીમાંથી ૧૧૩૯ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.ઈતિહાસની
પરીક્ષામાં પાટણમાંથી એક કોપી કેસ નોંધાયો હતો.
બપોરના સેશનમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા
હતી.જેમાં ૨૧૪૨૦૧ વિદ્યાર્થીમાંથી ૨૭૦૨ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આંકડાશાસ્ત્ર
વિષયની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ગેરરીતિના ત્રણ કેસ નોંધાયા હતા. જુનાગઢમાં બે
કોપી કેસ નોંધાયા છે અને એક કેસ અમદાવાદમાં નોંધાયા છે.
અમદાવાદ
ગ્રામ્ય ડીઈઓ હેઠળની જોધપુર ચાર રસ્તા પાસેની નારાયણ ગુરૃ સ્કૂલના સેન્ટરમાંથી એક
વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો. વિદ્યાર્થીઓ અને વિષય નિષ્ણાંત શિક્ષક દિક્ષિત
જોશીના મતે આંકડાશાસ્ત્રનું પેપર એકંદરે સરળ અને પુસ્તક આધારીત જ રહ્યુ હતું.એક
એમસીક્યુ પ્રશ્નમાં વિદ્યાર્થીઓ થોડા મુંઝાયા હતા.મોટા ભાગના દાખલા બુકના
સ્વાધ્યાયના અને ઉદાહરણના જ હતા. બપોરના જ સેશનમાં ધો.૧૨ સાયન્સમાં કેમિસ્ટ્રી
વિષયની પરીક્ષા હતી અને જેમાં ૧૨૫૨૨૩ વિદ્યાર્થીમાંથી ૧૭૧૫ વિદ્યાર્થી ગેરહાજર
રહ્યા હતા.આ પરીક્ષામાં બે વિદ્યાર્થિનીઓ મોબાઈલ સાથે પકડાઈ હતી.જેમાં સુરતમાંથી
એક અને વડોદરામાંથી એક વિદ્યાર્થિની પકડાઈ હતી. વિદ્યાર્થીઓ અને વિષય નિષ્ણાંતોના મતે
કેમિસ્ટ્રીનું પેપર એકંદરે સરળ અને એનસીઈઆરટીના કોર્સ મુજબ તેમજ પુસ્તક આધારીત જ
રહ્યુ હતુ. જો કે એવરેજ વિદ્યાર્થીઓના કેટલાક એમસીક્યુ અટપટા અને અઘરા લાગ્યા
હતા.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં આજે સવારના સેશનમાં ધો.૧૦માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા હતી. વિષય નિષ્ણાંત પ્રણવ રાજપૂતના મતે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર એકંદરે સરળ અને પાઠયપુસ્તક આધારીત હતું. બ્લુ પ્રિન્ટ મુજબનું પેપર હતુ. વિભાગ અને ડીમાં દાખલા પાઠયપુસ્તકના જ પરંતુ રમકમમાં ફેરફાર કરીને પુછવામા આવ્યા હતા. બે સાબીતી વાળા પ્રશ્નો અથવામા પુછાતા રાહત થઈ હતી. એક વર્તુળનો અને એક પાયથાગોરસનો પ્રમેય જ નામ બદલીને પુછાયો હતો.
આમ આજે ત્રીજા દિવસની પરીક્ષામાં તમામ પેપરો એકંદરે સરળ રહેવા સાથે
વિદ્યાર્થીઓ-વાલીઓએ રાહત અનુભવી હતી જો કે છ ગેરરીતિના કેસ નોંધાયા હતા અને જેમાં
ત્રણ મોબાઈલ સાથેના હોઈ બોર્ડ દ્વારા અનેકવારની સૂચનાઓ તેમજ કડક જોગવાઈઓ છતાં પણ
વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે સેન્ટરોમા આવી રહ્યા છે.