Updated: Mar 16th, 2023
– સંસદની ધમાલ- ધાંધલ પર રાહુલનો જવાબ
– “ભારતમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે અને અમેરિકા તથા યુરોપીય દેશો ચૂપચાપ જોઈ રહ્યા છે’- તેવા વિધાનો અંગે તેમણે વધુ સ્પષ્ટતા કરી
નવી દિલ્હી : ભારતમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે અને અમેરિકા તથા યુરોપીય દેશો તે ચુપચાપ જોઈ રહ્યા છે. તેવાં કથનોથી ઘેરાઈ ગયેલા રાહુલ ગાંધીએ તે વિધાનો અંગે સ્પષ્ટતા કરી હતી તેમણે કહ્યું હતું કે, તેમણે ભારત વિરૂદ્ધ કોઈ જ ભાષણ આપ્યું નથી.
બીજી તરફ ભાજપના સાંસદો સતત માંગણી કરી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં આવીને માફી માગવી જોઈએ.
આ પરિસ્થિતિમાં એક ટી.વી. ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે, મેં ભારત વિરોધી કોઈ સ્પીચ નથી આપી મને જો બોલવાની મંજૂરી અપાશે તો હું સંસદમાં જવાબ આપીશ.
લંડનમાં આપેલા ભાષણ અંગે ભાજપ સતત રાહુલ ઉપર હુમલા કરી રહ્યું છે. છેલ્લા ૪ દિવસથી સંસદની કાર્યવાહી ઠપ્પ છે. આજે પણ બંને ગૃહોની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ હતી. ભાજપના સાંસદો રાહુલ પાસે માફી મગાવવા અડીને બેઠા છે.
સ્મૃતિ ઇરાની અને કીરેન રિજિજુ સહિત કેટલાય કેન્દ્રીય મંત્રીઓએ રાહુલ ઉપર હુમલા કર્યા છે. રિજીજુએ કહ્યું હતું કે જે વ્યક્તિ દેશમાં સૌથી વધુ બોલે છે અને રાત- દિવસ સરકારની ટીકા કરી રહી છે તે બહાર જઈને એમ કહે છે કે તેને બોલવાની આઝાદી નથી.
રિજીજુએ વધુમાં કહ્યું, રાહુલ ગાંધી કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે અને ડૂબાડી શકશે પણ ખરા પરંતુ જ્યારે દેશનું અપમાન કરે ત્યારે ભારતના એક નાગરિક તરીકે અમે ચિંતા કર્યા વિના રહી જ ન શકીએ. તેઓ દેશ વિરોધી ભાષા બોલે છે સંસદની ગરીમાને તેમણે કમજોર કરી છે. ભારત વિરોધી શક્તિઓ પણ આવી જ વાતો કરે છે, ભારત વિરોધી તમામ ગેંગ આવું જ બોલે છે.