પીએમઓના એડીશનલ ડાયરેક્ટર તરીકે ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લઇ ફરતો હતો
જમ્મુ-કાશ્મીર સીઆઇડી ક્રાઇમ દ્વારા શ્રીનગરની લલિત ગ્રાન્ડ હોટલ પરથી પરથી ઝડપી લેવાયોઃ પીએમઓના સ્ટ્રેટેજી અને કેમ્પેઇનીંગ વિભાગ એડીશનલ ડાયરેક્ટર તરીકે ઓળખ આપી વીવીઆઇપી ફેસેલેટી લેતો હતો
Updated: Mar 17th, 2023
અમદાવાદ,શુક્રવાર
જમ્મુ-કાશ્મીરના સીઆઇડી ક્રાઇમ દ્વારા શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત
ફાઇવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના કિરણ પટેલને ઝડપી લીધો હતો. જે પ્રધાનમંત્રીની ઓફિસના
સ્ટાફના સ્ટ્રેટેજી અને કેમ્પેઇનીંગ વિભાગના
એડીશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી અને બુલેટપ્રુફ વાહન
સાથે ફરતો હતો. જે બાદ તેની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અમદાવાદમાં રહેતો
કિરણ પટેલ બનાવટી ઓળખપત્ર અને વિઝીટીંગ કાર્ડ બનાવીને પ્રધાનમંત્રી ઓફિસનો ખાસ સ્ટાફ
હોવાનું કહીને ફરતો હતો. કિરણ પટેલ કાશ્મીરમાં
સફરજનના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક લોકો સાથે મીટીંગ પણ કરતો હતો.પીએમઓના
નામે જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરનાર કિરણ પટેલ વિરૂદ્વ ગુનો નોંધીને
વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જમ્મુ કાશ્મીરના શ્રીનગર યુનિટના સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓને
માહિતી મળી હતી કે શ્રીનગરની ફાઇવ સ્ટાર ધ ગ્રાન્ડ લલિત હોટલના સ્પેશીયલ સ્યુટમાં પ્રધાનમંત્રી
ઓફિસથી આવેલો કિરણ પટેલ નામના અઘિકારી રોકાયો છે. જે પોતાની ઓળખ પીએમઓના સ્ટ્રેટેજી
અને કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર તરીકે આપે છે. જો કે બે મહિનામાં સતત બીજી
મુલાકાત છે. જેથી પીએમઓ ઓફિસ ખાતે ખાનગીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું
હતું કે કિરણ પટેલ નામનો કોઇ અધિકારી પીએમઓ નથી. જે બાદ ગત ૩જી માર્ચના રોજ તેની અટકાયત
કરીને તપાસ કરવામાં આવતા તેની પાસેથી વિટીઝીંગ કાર્ડ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તેની સાથે
રહેલા અન્ય બે લોકોની પણ અટકાયત કરી હતી. જે
બાદ એસએસપી રાકેશ બલવાલે તેની સઘન પુછપરછ કરવામાં
આવતા ચોંકાવનારો ઘટસ્ટોફ થયો હતો કે કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટીઝ
બંગ્લોઝમાં ભાડેથી રહેતો હતો.અને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપીને
બે થી ત્રણ વાર જમ્મુ કાશ્મીર આવ્યો હતો. જ્યાં તેણે સફરજન અને ડ્રાયફ્રુટના વેપારને
પ્રોત્સાહન આપવાની ખાસ મીંટીંગ કરવાનું કારણ આપીને પ્રધાનમંત્રી કાર્યાલયના બનાવટી
લેટરના આધારે વિશેષ સરકારી મહેમાનનો દરજ્જો મેળવીને હોટલમાં સરકારી ખર્ચે ઉતારો લેવા ઉપરાંત,
લાલ ચોક,
ભારત પાકિસ્તાન બોર્ડર પર ઉરી ખાતે તેમજ
ગુલમર્ગ જેવા સ્થળોએ મુલાકાત પણ લીધી હતી.
આ અંગે જમ્મુ કાશ્મીરની સીઆઇડી વિંગ દ્વારા કેન્દ્ર સરકારને અને સેન્ટ્રલ આઇબીને
પણ જાણ કરી હતી.જ્યારે શુક્રવારે જમ્મુ કાશ્મીરથી સીઆઇડી વિંગની ટીમ ઘોડાસર
ખાતે પ્રેસ્ટીજ બંગંલો ખાતે તેમજ મણિનગરમાં વિઝીટીંગ કાર્ડ તૈયાર કરાવ્યું હતું ત્યાં
સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અંગે પોલીસે
નિશાત પોલીસ મથકે આઇપીસીની કલમ ૪૧૯, ૪૨૦,૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ
ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.