Updated: Mar 17th, 2023
નવી દિલ્હી,તા, 17 માર્ચ 2023,શુક્રવાર
કલ્પના ચાવલા અવકાશમાં મુસાફરી કરનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા એરોનોટિકલ એન્જિનિયર હતી. એરોનોટિક્સના ક્ષેત્રમાં સિદ્ધિઓ અને યોગદાનના સંદર્ભમાં તેમને ઘણી સ્ત્રીઓ માટે આજે પણ રોલ મોડેલ તરીકે યાદ કરવામાં આવે છે.
હરિયાણામાં જન્મેલી ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા આજે દેશ અને દુનિયાની યુવતીઓ માટે પ્રેરણા બની છે. કલ્પનાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ કરનાલ જિલ્લામાં થયો હતો. દરેક બાળકનું કોઈને કોઈ સપનું હોય છે, તેવી જ રીતે કલ્પના ચાવલાને પણ નાનપણથી જ આકાશમાં ઉડવાનું સપનું હતું.
કલ્પના ચાવલાને બાળપણથી જ ડાન્સિંગ,સાઇકલિંગ અને રનિંગ તેમજ કવિતા લખવાનો શોખ હતો. કલ્પના ચાવલાનું માનવુ હતુ કે,“સપનાથી સફળતા સુધીનો માર્ગ નિશ્ચિત છે, પણ શું તમારી પાસે તેને શોધવાની ઈચ્છા શક્તિ છે? શું તમારી પાસે તે શોધવા માટે તે માર્ગ પર ચાલવાની હિંમત છે? શું તમે તમારા સપનાને સિદ્ધ કરવા માટે સંકલ્પબદ્ધ છો?
- કલ્પના ચાવલાએ 1984માં, ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું અને ફરીથી 1986માં તે જ વિષયમાં માસ્ટર્સ કર્યું હતુ, 1988માં, કલ્પના ચાવલાએ યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાંથી પીએચડી મેળવ્યું.
- કલ્પના ચાવલાએ વર્ષ 1988માં નાસા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર 1994માં, તેઓ અવકાશયાત્રી તરીકે અવકાશ મિશન માટે પસંદ કરવામાં આવ્યા.
- કલ્પના ચાવલા ભારતીય અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ શટલ મિશન વિશેષજ્ઞ હતા. તેઓ અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા હતા.
- કલ્પના ચાવલાએ એક નહીં પરંતુ બે વખત અવકાશની સફર કરી હતી. તેમણે પ્રથમ વખત 19 નવેમ્બર 1997ના રોજ અવકાશ યાત્રા માટે ઉડાન ભરી હતી. 16 જાન્યુઆરી, 2003 ના રોજ, તેણે બીજી વખત અવકાશમાં ઉડાન ભરી.
નાસામાં પ્રથમ વખત અરજી
જ્યારે કલ્પના ચાવલાએ નાસામાં પ્રથમ વખત અરજી કરી ત્યારે તે સફળ થઈ શકી ન હતી. તે પસંદગીના 23 ઉમેદવારોમાં સામેલ હતી. માર્ચ 1995માં, નાસાએ તેને તેની અવકાશયાત્રી કોર્પ્સ ટીમમાં સામેલ કરીને અને 1997માં તેમની પહેલી અવકાશ ઉડાન માટે પસંદગી કરવામાં આવી હતી.
19 નવેમ્બરથી 5 ડિસેમ્બર 1997 સુધીની તેની પ્રથમ અવકાશ યાત્રા માટે તેની પસંદગી કરવામાં આવી, તે સમયે તે માત્ર 35 વર્ષની હતી.
કલ્પના ચાવલાનું નિધન
વર્ષ 2003 માં તેમણે કોલંબિયા શટલથી પોતાની બીજી ઉડાન ભરી હતી. કલ્પના ચાવલા તેના મિશન પરથી પરત ફરી રહી હતી. સ્પેસક્રાફ્ટ કોલંબિયા શટલ STS-107 પૃથ્વીથી લગભગ 2 લાખ ફૂટની ઉંચાઈ પર હતું. તેને પૃથ્વી પર પહોંચવામાં 16 મિનિટથી પણ ઓછો સમય લાગવાનો હતો. પરંતુ અચાનક સ્પેસક્રાફ્ટ સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો અને થોડીવારમાં જ આ યાનનો કાટમાળ અમેરિકાના ટેક્સાસના ડેલસ વિસ્તારમાં વિખરાઈ ગયો અને આ ઘટનામાં બધા અંતરિક્ષયાત્રીઓના નિધન થઇ ગયા .
મૃત્યુ પહેલા કલ્પના ચાવલાએ એક મોટી વાત કહી હતી. ચાવલાએ કહ્યું કે “તમારા જીવનમાં કંઈક એવું કરો જે તમને ખરેખર કરવાનું પસંદ હોય.