સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદની પસંદગી
કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
Updated: Mar 17th, 2023
અમદાવાદ, 17 માર્ચ 2023 શુક્રવાર
ગુજરાતમાં અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ હવે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના 6 શહેરોને પસંદ કરવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદની કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી અંતર્ગત પસંદગી કરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
રાજ્યના 6 શહેરોને વિકસાવવા આટલી ગ્રાન્ટ મળી
કેન્દ્ર સરકારે રાજય સરકારને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરી છે. જેમાં અમદાવાદને 459.34 કરોડ,ગાંધીનગરને 315.305 કરોડ, રાજકોટને 386.76 કરોડ, સુરતને 490 કરોડ, દાહોદને 293 કરોડ અને વડોદરા શહેરને 382 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ સુવિધાઓ મળશે
સ્માર્ટ સિટીઝમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ,સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ શામેલ છે. શહેરોમાં વધી રહેલી ભીડ અને ટ્રાફિકને ઘટાડવાનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને પ્રદૂષણ ઘટાડવાનું લક્ષ્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સેવવામાં આવ્યું છે. એટલું જ નહીં રોડ એક્સિડન્ટ્સને રોકવા તેમજ સાઈકલ ચાલકો માટે અલગ માર્ગ બનાવવા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.