– પેટ્રોલનું વેચાણ ૧.૪ ટકા ઘટીને ૧.૨૨ મિલિયન ટન જ્યારે ડીઝલનું વેચાણ ૧૦.૨ ટકા ઘટીને ૩.૧૮ મિલિયન ટન રહ્યું
– માર્ચના પ્રથમ પખવાડિયામાં દેશમાં ઈંધણની માંગમાં ઘટાડો થયો
Updated: Mar 17th, 2023
નવી દિલ્હી : માર્ચના પ્રથમ પખવાડિયામાં દેશમાં ઈંધણની માંગમાં ઘટાડો થયો હતો. આ પહેલા ફેબ્રુઆરીમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઉદ્યોગના પ્રારંભિક ડેટા મુજબ કૃષિ ક્ષેત્રની માંગમાં વધારો અને પરિવહનમાં વધારો થવાને કારણે ફેબ્રુઆરીમાં ઇંધણનું વેચાણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ માર્ચમાં તાપમાનમાં વધારાને કારણે તે નરમ પડયું છે.
ડેટા અનુસાર માર્ચના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે ૧.૪ ટકા ઘટીને ૧.૨૨ મિલિયન ટન થયું છે.
માસિક ધોરણે વેચાણ ૦.૫ ટકા ઘટયું છે. દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇંધણ ડીઝલનું વેચાણ ૧-૧૫ માર્ચ દરમિયાન વાર્ષિક ધોરણે આશરે ૧૦.૨ ટકા ઘટીને ૩.૧૮ મિલિયન ટન થયું હતું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે ૩૫.૪ લાખ ટન હતું. માસિક ધોરણે માંગમાં ૪.૬ ટકાનો ઘટાડો થયો છે.
ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનો વપરાશ વાર્ષિક ધોરણે આશરે ૧૮ ટકા વધ્યો હતો, જ્યારે ડીઝલની માંગમાં લગભગ ૨૫ ટકાનો વધારો થયો હતો. જો કે, માર્ચના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલની માંગ માર્ચ, ૨૦૨૧ના કોવિડ-અસરગ્રસ્ત પ્રથમ પખવાડિયા કરતાં ૧૬.૪ ટકા વધુ છે અને ૨૦૨૦ના સમાન સમયગાળા કરતાં લગભગ ૨૩ ટકા વધુ છે. બીજી તરફ, ડીઝલની માંગ માર્ચ ૨૦૨૧ના પ્રથમ પખવાડિયા કરતાં ૧૧.૫ ટકા અને ૨૦૨૦ના સમાન સમયગાળાની સરખામણીમાં ૨૦.૨ ટકા વધુ છે.
કોવિડ-૧૯ સંબંધિત પ્રતિબંધો હટાવવાની સાથે, દેશમાં ઇંધણની માંગ સતત વધી રહી છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં, રાંધણ ગેસનું વેચાણ વાર્ષિક ધોરણે ૯.૭ ટકા ઘટીને ૧.૧૮ મિલિયન ટન થયું છે. જોકે, માર્ચ ૨૦૨૧ની સરખામણીએ વપરાશમાં ૭.૧ ટકાનો વધારો થયો છે.
માસિક ધોરણે એલપીજીની માંગમાં ૧૫.૧૦ ટકાનો ઘટાડો થયો છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં એવિએશન ફ્યુઅલ (એટીએફ)નું વેચાણ ૧૯.૨ ટકાના ઉછાળા સાથે ૨,૯૪,૯૦૦ ટન થયું હતું. જે માર્ચ ૨૦૨૧ કરતા ૩૫.૬ ટકા વધુ છે. જો કે, માર્ચ, ૨૦૨૦ના પ્રથમ પખવાડિયાની સરખામણીમાં તે ૮.૨ ટકા ઓછો છે.