Updated: Mar 17th, 2023
વડોદરા,તા.17 માર્ચ 2023,શુક્રવાર
એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોને પીએફ કચેરીએ જોરદાર લપડાક મારીને કર્મચારીઓના પીએફના બાકી 5.35 કરોડ રૂપિયા ભરવા માટે તાકીદ કરી છે. પીએફ કમિશનરે નવ પાનાના ચુકાદામાં યુનિવર્સિટીના નઘરોળ તંત્રની પોલ ખોલી નાંખી છે.
યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્ય તેમજ કર્મચારી સંગઠન બુસાના પ્રતિનિધિઓ હર્ષદ શાહ અને પ્રતાપરાવ ભોઈટેએ કર્મચારીઓ વતી યુનિવર્સિટી સત્તાધીશો સામેની સુનાવણીમાં હાજરી આપી હતી.
સેનેટ સભ્ય કપિલ જોષીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, સુનાવણી દરમિયાન યુનિવર્સિટી સત્તાધીશોએ પીએફ કમિશનર પાસે 40 કરતા વધારે મુદત માંગી હતી.તેમણે રજૂ કરેલા કર્મચારીઓના એપોઈન્ટમેન્ટ લેટર અને પગાર સ્લિપ પણ શંકાસ્પદ હતી અને કર્મચારીઓને મળવુ જોઈએ તેના કરતા ઓછુ પીએફ જમા કરાવાતુ હોવાનુ દેખાઈ આવતુ હતુ. સત્તાધીશોની તમામ દલીલોને ગરીબ કર્મચારીઓની તરફેણમાં પીએફ કમિશનરે નકારી કાઢી હતી.
સેનેટ સભ્યે કહ્યુ હતુ કે, સત્તાધીશો કર્મચારીઓને પીએફનો લાભ આપવા માંગતા જ ના હોય તેમ લાગતુ હતુ.આમ પીએફ કમિશનરે કર્મચારીઓ તરફી નિર્ણય લઈને છેવટે 10 માર્ચે ચુકાદો આપ્યો હતો. જે પ્રમાણે 2017 થી 2019 વચ્ચેનુ બે વર્ષ અને નવ મહિનાના પીએફ તરીકે 5.35 કરોડ રૂપિયા જમા કરાવવા તાકીદ કરી છે.આ ગણતરી ઉપરોક્ત સમયગાળાની છે.જો હજી વધુ તપાસ થાય તો પીએફની રકમ વધી શકે તેમ છે.દરેક કર્મચારીને પીએફમાં 60000થી માંડી 85000 રૂપિયા સુધીનો ફાયદો થશે. આ ચુકાદાની સામે યુનિવર્સિટી સત્તાધીશો જો ટ્રિબ્યુનલમાં જશે તો પણ તેમને 70 ટકા રકમ તો પહેલા જ ભરવી પડશે અને પછી જ કેસ દાખલ થઈ શકશે.