– સ્મશાનભૂમિ ખાતેના આ નાટકની પદ્ધતિએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા
જયપુર, તા. 17 માર્ચ 2023, શુક્રવાર
રાજસ્થાનના જયપુરમાં સ્મશાનભૂમિમાં ચિતાઓ વચ્ચે “મુન્ની બદનામ હુઈ’ નો ડાન્સ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના જયપુરના પ્રતાપ નગર હલ્દીઘાટી માર્ગ સ્મશાન ભૂમિમાં ‘શમશાન ઘાટ’ નાટકના સ્ટેજ દરમિયાન બની હતી. તે મોક્ષધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, જે ધાર્મિક સ્મશાન ભૂમિ પર લોકો ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરે છે ત્યાં આવા નૃત્ય અને ગીતો યોગ્ય છે કે અયોગ્ય? શું આપણો ધર્મ અને સંસ્કૃતિ આની મંજૂરી આપે છે? સવાલ એ પણ ઊભો થયો છે કે, શું આ સનાતન અને હિન્દુ ધર્મની સંસ્કૃતિ સાથે ગંદો મજાક છે. તે પરિવારોના હૃદયનું શું થશે જેમના સ્નેહીજનોની રાખ સ્મશાનભૂમિ પર છે અને ત્યાં મુન્ની બદનામ ગીત પર ડાન્સ કરવામાં આવ્યો?
નાટકનું નામ ‘શમશાન ઘાટ’
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વાયરલ વીડિયો જયપુરના પ્રતાપનગર મોક્ષધામનો છે. ત્રણ દિવસ પહેલા મંગળવારે રાત્રે 8:00 વાગ્યે કેટલાક આમંત્રિત લોકો અને મહિલા દર્શકોની હાજરીમાં થિયેટર આર્ટિસ્ટોએ ‘શમશાન ઘાટ’ નામના નાટકનું મંચન કર્યુ હતું. સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોએ આ દરમિયાન બોલીવુડ ગીત અને ડાન્સ પર ખૂબ વાંધો ઉઠાવ્યો હતો.
નાટકના આયોજકો અને કલાકારો વિરુદ્ધ FIRની માંગ
જયપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના મહાનગર સાંગાનેર વિભાગના પ્રમુખ અર્જુન સિંહે કહ્યું કે, VHP આવી પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હિન્દુ ધર્મ અને આસ્થાને ઠેસ પહોંચી છે. શું સ્મશાનગૃહમાં આ નાટક કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી. જો આપવામાં આવી ન હોય તો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું અને જો આપવામાં આવી હોય તો સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. નાટકના આયોજકો અને કલાકારો વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ.
આ નાટકની પદ્ધતિએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા
સ્મશાનભૂમિ ખાતેના આ નાટકની પદ્ધતિએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે કે, જ્યાં દિવસભર અર્થીઓને અગ્નિ આપ્યા બાદ અસ્થિ વિસર્જન માટેના ભઠ્ઠીઓ રાખવામાં આવે છે તેની સામે જ સ્ટેજ શણગારવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કાર માટેના શેડની નીચે સ્પીકર લગાવવામાં આવ્યા હતા. પ્રેક્ષકો માટે સ્ટેજની સામે 150 ખુરશીઓ પણ મૂકવામાં આવી હતી. નાટકમાં જે ગીતો પર ડાન્સ બતાવવામાં આવ્યો હતો તે ગીતો સામાન્ય રીતે પાર્ટીઓમાં વગાડવામાં આવે છે. બંને ગીતો સલમાન ખાનની ફિલ્મ ‘મુન્ની બદનામ હુઈ’ અને ‘દિલ દિવાના બિન સજના કે’માંથી લેવામાં આવ્યા છે. નારાજગી વ્યક્ત કરનારા મોટાભાગના લોકો અને VHP કાર્યકર્તાઓ દલીલ કરે છે કે કલા અને કલાકારોનું હંમેશા સન્માન કરવામાં આવે છે પરંતુ આપણે કોઈની ધાર્મિક આસ્થા, રિવાજો, સંસ્કૃતિ, આદર અને આધ્યાત્મિક-સાંસ્કૃતિક મૂલ્યોને ઠેસ ન પહોંચાડવી જોઈએ. કોઈની લાગણી દુભાવી ન જોઈએ. આ વીડિયો પર લોકોએ નારાજગી વ્યક્ત કરતા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી જેવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
નાટકનો હેતુ સમાજની કુરિતિઓને દૂર કરવાનો: નાટકના દિગ્દર્શક અને રાઈટર
નાટકના દિગ્દર્શક અને રાઈટર જિતેન્દ્ર શર્માએ તર્ક આપ્યો હતો કે, પ્રથમ વખત સ્મશાનભૂમિમાં રાત્રિના અંધકારમાં અનોખી રીતે નાટકનું મંચન કરવામાં આવ્યું છે. નાટકનો હેતુ સમાજની કુરિતિઓને દૂર કરવાનો છે. આ માટે મોક્ષધામથી વધુ સારું પ્લેટફોર્મ ન હોઈ શકે. નાટકનું નામ ‘શમશાન ઘાટ’ હતું.