અમેરિકા, યુરોપની બેંકિંગ કટોકટી હળવી થવાની અસર
મુંબઇ : અમેરિકામાં બેંકિંગ કટોકટીમાં ગઈકાલે ફર્સ્ટ રિપબ્લિક બેંકને ૩૦ અબજ ડોલરની મદદ મળતાં અને યુરોપની ક્રેડિટ સૂઈસને ૫૦ અબજ ડોલરની સ્વિસ સેન્ટ્રલ બેંકની લિક્વિડિટી લાઈફલાઈન મળતાં બેંકિંગ ક્ષેત્રે યુરોપ, અમેરિકામાં કટોકટીના વાદળો વિખેરાવા લાગતાં આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે ફરી તેજી આવી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનાના અર્થતંત્રને ધમધમતું કરવા ચાઈનાની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સિસ્ટમમાં લિક્વિડીટી વધારવા સીઆરઆરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં લોકલ ફંડો બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં સાર્વત્રિક ખરીદદાર બની ગયા હતા. આ સાથે અત્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ૧૫ મહિનાની નીચી સપાટીએ પ્રવર્તિ રહ્યા હોઈ ભારતને નીચા ભાવનો ફાયદો મળી રહેવાના પોઝિટીવ પરિબળે પણ ફંડોએ શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. સેન્સેક્સ ૩૫૫.૦૬ પોઈન્ટ વધીને ૫૭૯૮૯.૯૦ અને નિફટી સ્પોટ ૧૧૪.૪૫ પોઈન્ટ ઉછળીને ૧૭૧૦૦.૦૫ બંધ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ મજબૂત બની સાંજે બ્રેન્ટ ક્રુડ ૭૫.૫૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૯.૩૭ ડોલર નજીક રહ્યા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા ઘટીને ૮૨.૫૫ રહ્યો હતો.
રોકાણકારોની સંપતિ એક દિવસમાં જ રૂ.૧.૪૭ લાખ કરોડ વધીને રૂ.૨૫૭.૫૨ લાખ કરોડ
સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સંખ્યાબંધ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની વ્યાપક ખરીદી નીકળતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની સંપતિ એટલે કે એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૧.૪૭ લાખ કરોડ વધીને રૂ.૨૫૭.૫૨ લાખ કરોડ પહોંચી ગયું હતું.
કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭ વધીને રૂ.૧૬૯૧ : સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક ઉંચકાયા
અમેરિકા, યુરોપની બેંકિંગ કટોકટી હળવી થતાં આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઈ બેંકેક્સ ૫૪૧.૩૫ પોઈન્ટ વધીને ૪૪૮૯૮.૦૬ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૨૦ વધીને રૂ.૧૬૯૧.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૯૦ વધીને રૂ.૮૩૬.૪૫, બંધન બેંક રૂ.૩.૦૫ વધીને રૂ.૨૦૭.૪૫, એચડીએફસી બેંક રૂ.૨૧.૧૦ વધીને રૂ.૧૫૭૨.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૭૫ વધીને રૂ.૫૨૯.૨૦, એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૫.૦૫ વધીને રૂ.૫૮૯.૭૦, ફેડરલ બેંક રૂ.૧.૧૦ વધીને રૂ.૧૨૮.૪૦ રહ્યા હતા. આઈડીબીઆઈ બેંકમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મોકૂફ રાખવાના અહેવાલે શેર રૂ.૨.૨૫ વધીને રૂ.૪૬.૬૫, ઈક્વિટાસ બેંક રૂ.૩.૭૬ વધીને રૂ.૬૮.૧૭, એન્જલ વન રૂ.૫૧.૬૦ વધીને રૂ.૧૦૯૭.૦૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૧૭ વધીને રૂ.૭૪.૫૮, ઈન્ડિયન બેંક રૂ.૧૧.૩૦ વધીને રૂ.૨૭૨.૫૦, સીએસબી બેંક રૂ.૭.૫૫ વધીને રૂ.૨૩૧.૩૫, એબી કેપિટલ રૂ.૪.૭૫ વધીને રૂ.૧૫૩.૫૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં ફરી તેજી : કેપીઆઈટી રૂ.૫૫ વધીને રૂ.૮૭૦ : પર્સિસ્ટન્ટ, ઝેનસાર, એચસીએલ ટેક વધ્યા
અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી પાછળ આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોએ તેજી કરી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૧૧.૭૨ પોઈન્ટ વધીને ૨૮,૫૯૩.૭૮ બંધ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજી રૂ.૩૮.૪૦ વધીને રૂ.૧૧૧૦.૫૦, કેપીઆઈટી ટેકનો રૂ.૫૪.૮૦ વધીને રૂ.૮૭૦.૧૫, ઝેનસાર ટેકનો રૂ.૧૦ વધીને રૂ.૨૭૭.૭૫, એલટીઆઈમાઈન્ડટ્રી રૂ.૧૨૨.૦૫ વધીને રૂ..૪૬૭૪.૩૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૮૭.૭૦ વધીને રૂ.૩૫૭૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૮.૩૫ વધીને રૂ.૩૨૩૫.૦૫ રહ્યા હતા.
સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેલ્યુબાઈંગ : ૧૯૯૩ શેરો પોઝિટીવ બંધ
સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી થવા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી વ્યાપક ખરીદદાર બની જતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૩ અને ઘટનારની ૧૫૧૯ રહી હતી.
FPI/FIIની કેશમાં રૂ.૧૭૬૭ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૭૬૬.૫૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૮,૭૩૪.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૫૦૦.૯૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૮૧૭.૧૪કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૯૬૯૩.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૮૭૬.૩૨ કરોડની વેચવાલી થઈ હતી.