Updated: Mar 17th, 2023
– પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યુ
સિકંદરાબાદ, તા. 17 માર્ચ 2023, શુક્રવાર
હૈદરાબાદના સિકંદરાબાદમાં એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અકસ્માતના કારણો હજુ જાણવા મળ્યા નથી. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ બાદ મોતનું કારણ જાણી શકાશે. જોકે, પ્રાથમિક તપાસમાં 6 લોકોના મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી હોવાનું બહાર આવી રહ્યું છે.
પોલીસે જણાવ્યું કે, અમને સૂચના મળી હતી કે, સિકંદરાબાદમાં એક શોપિંગ કોમ્પલેક્સમાં આગ લાગી ગઈ છે. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામ ઘાયલોને સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 6 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયા છે જ્યારે બાકીના 6 લોકોની હજુ પણ સારવાર ચાલી રહી છે.
Telangana: 6 dead, several rescued after fire at Secunderabad housing
Read @ANI Story | https://t.co/UT2f7AppUO#Telangana #Fire #Secunderabad pic.twitter.com/tmkRAyRvFx
— ANI Digital (@ani_digital) March 17, 2023
પોલીસે જણાવ્યું કે, પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી હતા. તેઓ એક માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા જેની ઓફિસ આ શોપિંગ કોમ્પ્લેક્સમાં હતી. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે આગ સાંજે 7:30 વાગ્યે લાગી ગઈ હતી. આ સંકુલના પરિસરમાં અનેક ઓફિસો આવેલી છે.
કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. બચાવ કાર્યમાં લાગેલા એક અધિકારીએ જણાવ્યું કે, અડધી રાત સુધી ઈમારતમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. તેમણે કહ્યું કે, એવી આશંકા છે કે હજુ પણ ઘણા લોકો સંકુલમાં ફસાયેલા છે. તેની શોધ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યુ છે.