બ્રહ્વમપુત્રા નદીની વચ્ચે ૧૨૫૦ વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે
ભારતનો આ દ્વીપ જિલ્લો પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહયો છે.
Updated: Mar 17th, 2023
ગૌહાટી,17 માર્ચ,2023,શુક્રવાર
બ્રહ્મપુત્રા નદીના પ્રવાહ વચ્ચે આવેલો આસામનો માજૂલી જિલ્લો દુનિયાનો સૌથી મોટો રિવરટાપુ હોવાનું ગૌરવ ધરાવે છે. આસમ સરકારે આ વિસ્તારને અલગ જિલ્લો પણ જાહેર કર્યો હોવાથી હવે માજૂલી ભારતનો એક માત્ર આઇલેન્ડ ડિસ્ટ્રીકટ પણ છે. એક સમયે બ્રાઝિલના મરાઝો ટાપુને સૌથી મોટો રિવરટાપુ ગણવામાં આવતો હતો પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે.
માજુલી જિલ્લો બ્રહ્વમપુત્રા નદીની વચ્ચે ૧૨૫૦ વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. માજુલી આસામની સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતું છે. આ વિસ્તારને બ્રહ્મપુત્રા નદીના ધસમસતા પાણી ઘમરોળી નાખતી હોવાથી જમીન ધોવાતી જાય છે. ગૌહાટીથી ૪૦૦ કિમી દૂર આવેલો આ દ્વીપ જિલ્લો પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહયો છે. જોરહાટ એ માજુલી જિલ્લાનું વહિવટી મથક છે.
આ વિસ્તારની કુલ વસ્તી ૧.૩૭ લાખની છે જેમાં ૧૯૨ ગામોના ૩૨ હજાર પરીવારનો સમાવેશ થાય છે.આ દ્વીપ પર મિસિંગ,દેઉરી,સોનોવાલ અને કછારી સહિત અનુસૂચિત જનજાતિના કુલ ૪૭ ટકા લોકો રહે છે.અહીં વિભિન્ન જાતિઓ રહેતી હોવાથી આ દ્વીપને મીની આસામ પણ કહે છે. માજુલી દ્વીપ આસામિયા નવ વૈષ્ણવ સંસ્કૃતિવાદનું કેન્દ્ર પણ છે.
મોટા ભાગના લોકો ચાવલ, ઘઉં અને મકાઇની ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના કાળા ચણા પણ થાય છે. માજુલી દ્વીપની દક્ષિણમાં બ્રહ્મપુત્રા નદી અને ઉત્તરમાં ખેરકુટિયા ખૂટી નામનો પ્રવાહ વહે છે. આ પ્રવાહ નદીનો જ એક ભાગ છે જે આગળ જતા નદીને મળે છે. ઉત્તરમાં સુબનસિરી નદી ખેરકુટિયા ખૂટી પ્રવાહમાં ભળે છે. માજોલી ટાપુ કાળક્રમે બ્રહ્મપુત્રા નદીના બદલાયેલા પ્રવાહમાંથી બનેલો છે.