Updated: Mar 17th, 2023
લખનૌ, તા. 17 માર્ચ 2023 શુક્રવાર
ઘણીવાર તમે ડોક્ટરોની બેદરકારીના કારણે કોઈનું મોત થયાના સમાચાર સાંભળ્યા કે વાંચ્યા હશે. પરંતુ ક્યારેય તમે ખોટી સારવારના કારણે કોઈ પશુ કે પક્ષીના મોતના સમાચાર સાંભળ્યા છે. નહીં ને પરંતુ આ અજીબોગરીબ મામલો ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. એક વેટરનરી ડોક્ટર પર ખોટી સારવાર કરવાનો આરોપ લાગ્યો છે.
પોપટના માલિક પોપટનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને તેનું પોસ્ટમોર્ટમ કરવાની અપીલ કરી છે. જોકે, પોલીસે પોપટનું પોસ્ટમોર્ટમ કરવાનો ઈનકાર કરી દીધો છે. જે બાદ પોપટના માલિકે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. હવે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઘટનાની તપાસ કરીને કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યુ છે. આ મામલો કાનપુર જિલ્લા કિદવઈનગર પોલીસ સ્ટેશન વિસ્તારના જૂહી ડિપોનો છે.
માહિતી અનુસાર જૂહી ડિપો નિવાસી શમશાદ અહમદ 12 માર્ચે પોતાના પોપટને બતાવવા માટે હનુમંત બિહાર સ્થિત વેટરનરી ડોક્ટરના ક્લીનિક લઈ ગયા હતા. શમશાદ અહમદે આરોપ લગાવ્યો કે ડોક્ટરે તેમના પોપટને લગભગ 1 કલાક સુધી બ્લોઅર સામે રાખ્યો. એટલુ જ નહીં, ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ ખવડાવી તો તેની હાલત બગડી ગઈ અને તેમના પોપટનું મોત નીપજ્યુ. જે બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.
આ મામલે ડોક્ટરનું કહેવુ છે કે 12 માર્ચે પોપટને તપાસ માટે લાવવામાં આવ્યો હતો. દવા આપવામાં આવી હતી. 2-3 દિવસ બાદ કોઈ ફોલોઅપ માટે આવ્યા નહોતા. બાદમાં પોપટના મોતની વાત સામે આવી. પોપટના મોતનો આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલીસે તેમનો સંપર્ક સાધ્યો. પોલીસ અનુસાર તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. ડોક્ટર સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.