Updated: Mar 17th, 2023
અગાઉ ખેપ મારી ચૂક્યાની શક્યતાના આધારે પૂછપરછ
શિકાર કરવા માટે મોકલનાર મુખ્ય માથું કોણ? અનેક રહસ્ય ઉકેલાય તેવી વકી
પોરબંદર: પોરબંદર નજીકના દરીયામાં ડોલ્ફીન માછલીના શિકારનું મહાકૌભાંડ વનવિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં ૨૨ ડોલ્ફીન માછલીનો શિકાર થયાનું ખુલ્યું હતું. તેથી વનવિભાગ દ્વારા માછલીના ૧૦ શિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.
જોઈન્ટ ઓપરેશનમાં પોરબંદરથી ૧૨ નોટીકલમાઈલ દુર તામીલનાડુની એક બોટ ડાયના-૨ માં શંકાસ્પદ હિલચાલ થઈ રહી હોવાની માહિતીના આધારે આ બોટને અટકાવીને તલાશી લેવામાં આવતા તેમાંથી ડોલ્ફીન માછલીના ૨૨ જેટલા મૃતદેહ મળી આવ્યા હતાં અને ૧૦ શખ્સો પણ પકડાયા હતાં. ઓરિસ્સાના માયાધાર મનાધર રાઉત (૩૭), કેરલના ગીલતુશ એબેઝ પુષ્પાકડી (૬૨), નીહાલ સમસુદીન કુનાશેરી (૨૬), આસામના સનસુમન જયલાલ બાસુમાતરે (૩૧), તમીલનાડુના સેલવન સુરલેશ (૪૫), આસામના રણજીત ગોવિંદ બોરો (૨૮), તામીલનાડુ રાજકુમાર તનીશા રાજ (૫૨)ને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
વનવિભાગના અધીકારી વ્યાસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આ ૧૦ શખ્સોના રીમાન્ડના મુખ્ય મુદામાં તેઓ અગાઉ ખેપ મારવા માટે આવ્યા હતાં કે કેમ? કોના ઈશારે આ પ્રકારે માછલાઓને મારવા માટે આવ્યા હતાં? તેનો શેના માટે ઉપયોગ કરવાનો હતો? અને અન્ય કોઈ ફીશીંગ બોટોમાં પણ આ પ્રકારે માછલા મારવામાં આવ્યા છે કેમ? અંગે પૂછપરછ હાથ ધરાશે.