ગઈકાલે ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયુ હતું
આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગઈ હતી
Updated: Mar 17th, 2023
Image : Pixabay |
અમદાવાદ, 17 માર્ચ 2023, શુક્રવાર
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. આ વચ્ચે આજે વહેલી સવારે અનેક જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાઈ ગઈ હતી.
રાજ્યમાં અનેક જિલ્લામાં માવઠું થયુ
છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જેના પગલે ગઈકાલે વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદની સાથે આકાશમાંથી કરા પણ પડ્યા હતા. આ ઉપરાંત આજે સવારે રાજ્યમાં અનેક જગ્યાએ ધુમ્મસી ચાદર પથરાઈ ગઈ હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતું. ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ખેડૂતોની ચિંતામાં વધારો
રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો અને અમરેલી, ધારી તેમજ ગીર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો કરી દીધો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગઈકાલે અચાનક આવેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં ઘણા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં માવઠું થઈ રહ્યું છે. માવઠાને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે.